રાજ્યમાં ધીમે ધીમે ગરમી વધે એ પહેલાં જ વકીલોના હિતમાં નિર્ણય લેવાયો છે. એડવોકેટ્સને ઉનાળામાં કાળો કોટ પહેરવાથી મુકિત મળી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા.1એપ્રિલથી તા. 31 જુલાઇ સુધી આ ’કોટ મુકિત’ અમલી રહેશે. જોકે સફેદ શર્ટ સાથે બારના લોગો વાળી ટાઈ ફરજિયાત રખાઈ છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન અનિલ કેલ્લા, ભરત ભગત અને દીપેન દવેએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડીયાના રુલ્સ દ્વારા સમગ્ર ભારત દેશના વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલ તમામ જિલ્લા અને તાલુકા કોર્ટના ધારાશાસ્ત્રીઓને કાળા કોટ સાથે ચોક્કસ પ્રકારનો ડ્રેસ પહેરવાનો ફરજિયાત બનાવવામાં આવ્યો છે.
ભારત દેશના જુદા-જુદા રાજયોની ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર દેશમાં ઋતુઓનું પ્રમાણ અનિયમિત તેમજ અમુક ભાગોમાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે, પરિણામે ઉનાળાના સમયમાં તાલુકા અને જિલ્લા અદાલતોમાં કામ કરતા ધારાશાસ્ત્રીઓને ગરમીના ઉંચા પારાને કારણે ઉનાળાના સમયમાં એટલે કે એપ્રિલથી જુલાઈ સુધીના સમયગાળામાં કાળો કોટ પહેરવાને કારણે ગરમીનો અસહ્ય ત્રાસ સહન કરવો પડતો હોય છે. જેને પરિણામે ગુજરાત સહિતના જુદા-જુદા રાજયોની બાર કાઉન્સિલો દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડીયાને ઉનાળાના સમયમાં ધારાશાસ્ત્રીઓને ડ્રેસકોડના નિયમમાં છૂટછાટ આપવા માટે રજૂઆત કરવામાં આવતી હતી.