જામજોધપુર તાલુકાના બગધરા ગામમાં રહેતાં વેપારી વિપ્ર યુવાન ઉપર જ્ઞાતિના વિભાગીય પ્રમુખની ચૂંટણીનો ખાર રાખી બે શખ્સોએ આડેધડ ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના બગધરા ગામમાં રહેતાં અને વેપાર કરતા વિપ્ર યુવાન જયેશભાઈ જેઠાભાઈ શિલુને શુક્રવારે રાત્રિના સમયે તેની દુકાનપાસેથી પસાર થતા હતાં ત્યારે કિશન જીતેન્દ્ર જોશી અને એક અજાણ્યા સહિતના બે શખ્સોએ આંતરીને જ્ઞાતિના વિભાગીય પ્રમુખની ચૂંટણીનો ખાર રાખી જયેશને મોઢા પર, ગાલ, પેટમાં અને માથાના ભાગે આડેધડ ઢીકાપાટુનો માર મારી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલો અને ધમકીના બનાવ અંગેની જાણ કરાતા હેકો એસ.એચ. જાડેજા તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.