જામનગર અને દ્વારકા જિલ્લામાં શિડયુલ એચ એચ – 1 અથવા એકસ મુજબ દવાઓ ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ થતી અટકાવવા જામનગર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આરોગ્ય સેતુ ગાંધીનગર અને બંને જિલ્લાના પોલીસ અધિક્ષક, કલેકટર અને કમિશનરને લેખિત રજૂઆત કરી મેડીકલ સ્ટોર્સમાં તપાસ કરવા માંગણી કરી હતી.
આ અંગેની વિગત મુજબ, રાષ્ટ્રીય બાલ વિકાસ આયોગ ન્યુ દિલ્હી દ્વારા બાળકોમાં ડ્રગ્સ તેમજ અન્ય પદાર્થોેના ગેરકાયદેસર ઉપયોગ અટકાવવા માટે ફેબ્રુઆરી 2023 માં એકશન પ્લાન મૂકવામાં આવ્યો હતો. આ પ્લાન મુજબ ધારા 7 થી મેડીકલ સ્ટોર્સને દવાઓના વેચાણ કરવા બાબતે સૂચના આપવામાં આવી હતી. આ સૂચના મુજબ, મેડીકલ સ્ટોર્સમાં થતા દવાઓના વેચાણ માટે સીસીટીવી કેમેરા લગાવવા જરૂરી છે. તેમજ જોઇન્ટ એકશન પ્લાન તથા સૂચના અનુસાર મેડીકલ સ્ટોર્સ ખાતેથી શિડયુલ એચ એચ – 1 અથવા એકસ મુજબ દવાઓનું વેચાણ અટકાવવા જામનગર અને દ્વારકા જિલ્લાના તમામ મેડીકલ સ્ટોર્સમાં સીસીટીવી કેમેરા ફરજીયાત લગાડવા તથા કેમેરાનું રેકોર્ડીંગ એક વર્ષ સુધી સાચવી રાખવાની સૂચના ઉપરાંત સત્તાધિશ અધિકારી દ્વારા એક વર્ષ જોઇ શકાય તે મુજબ સીઆરપીસી કલમ 136 માં દર્શાવ્યા મુજબ 188 મુજબ સીસીટીવી કેમેરા ન લગાડેલા હોય તેવા દરેક મેડીકલ સ્ટોર્સ સામે કાર્યવાહી કરવાની જોગવાઈ કરાઇ છે.
જામનગર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા શિડયુલ એચ એચ – વન અથવા એકસ મુજબ દવાઓનું વેચાણ અટકાવવા તેમજ બાળકોમાં ડ્રગ્સ તથા અન્ય પદાર્થોનો ગેરકાયદેસર ઉપયોગ અટકાવવા હાલારના તમામ મેડીકલ સ્ટોર્સમાં સીસીટીવી કેમેરા લગાવવા અને એક વર્ષનું રેકોર્ડીંગ જળવાઈ રહે તે અંગે આરોગ્યના હિતમાં અને બાળકોના ભવિષ્ય માટે જરૂરી કાર્યવાહી કરવા ગાંધીનગર આરોગ્ય સચિવ, જામનગર-દ્વારકા કલેકટર, જામનગર-દ્વારકા એસપી અને મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું મંત્રી કિશોર મજીઠીયાની યાદીમાં જણાવાયું છે.


