જામનગર શહેરમાં છેલ્લા કેટલાંક સમયથી રઝળતા ઢોરની સમસ્યા આતંકની હદ સુધી વકરી છે. ઢોરની સંખ્યા અને ત્રાસ એટલી હદે વધી ગયો છે કે, લોકો ભયના ઓથાર હેઠળ આવી ગયા છે. બે દિવસ પહેલાંની પંજાબ બેંક પાસેની ઘટનાએ પાશ્ર્ચાત્યમાં ધકેલાઇ ગયેલો પ્રશ્ર્ન ફરી ઉભો કર્યો છે કે, શું આ ત્રાસદીનો કોઇ ઉકેલ નથી? જામ્યુકોનાં 64 કોર્પોરેટરો અને 14 ઉચ્ચ અધિકારીઓ સાથે બેસીને આ જુની અને કાયમી સમસ્યાનો કોઇ સ્થાયી અને વ્યવહારૂં હલ લાવી ન શકે…?
જો ઇચ્છા શક્તિ અને શુધ્ધ દાનત હોય તો ચોક્કસ લાવી શકાય. એવી કોઇ સમસ્યા નથી. જેનો હલ ન હોય.. જરૂર હોય છે. યોગ્ય દિશાના વિચાર અને આયોજનની તેમજ કરાયેલા આયોજનની દ્રઢતાપૂર્વક અમલવારી કરવાની. કહેવાય છે ને કે, “મન હોય તો માળવે જવાય…” પરંતુ જો મન જ ન હોય તો…
આમ તો રઝળતા ઢોરની સમસ્યા આજકાલની નથી અને નથી એકલા જામનગર શહેરની, લગભગ તમામ શહેરો આ સમસ્યાથી ગ્રસિત છે, શહેરીજનો પીડિત છે પણ જામનગરમાં આ સમસ્યા થોડી વધારે અને વધુ ગંભીર છે. કેમ કે, સમસ્યાના ઉકેલ માટે કોઇ ગંભીર નથી! કોઇ પ્રયાસ પણ કરતું નથી. જે કામગીરી થાય છે તે માત્ર ખાનાપૂર્તિ જેવી હોય છે અને જણાય પણ છે. જેની જવાબદારી છે તે જામ્યુકોનું તંત્ર પણ લાપરવાહ અને બેદરકાર જણાય રહ્યું છે. ઇચ્છાશક્તિનો સદ્ંતર અભાવ છે. કમિશનર સત્તાનો ઉપયોગ કરીને જાહેરનામુ તો પ્રસિધ્ધ કરે છે પણ તેની અમલવારી માટે સત્તાનો ઉપયોગ કરતા નથી…! જ્યારે આપણે જેને ચૂંટીને મોકલ્યા છે તેવા આપણા પ્રતિનિધિઓ બોર્ડ બેઠકમાં મુંગામંતર થઇને બેઠા રહે છે (તમામ 64 ધારાસભ્યોને લાગુ પડે છે) નીત-નવા કાર્યક્રમો યોજે છે પણ ઢોરની સમસ્યા પ્રત્યે ગંભીર નથી. અરે સાથે બેસીને આ મુદ્ે ચર્ચા પણ નથી કરતાં, વિચારતા પણ નથી. પ્રતિનિધિઓની લાપરવાહીનો ભોગ બિચારા નિર્દોષ શહેરીજનો બની રહ્યા છે અને આ બેપરવાહીને કારણે તંત્રના અધિકારીઓ પણ લાપરવાહ બની ગયા છે કેમ કે, સત્તાધિશો અને સત્તાપક્ષના સભ્યો કંઇ બોલતા નથી અને વિપક્ષને કોઇ ગાંઠતુ નથી..!
વર્ષો જુની આ સમસ્યાના સ્થાયી હલ માટે સત્તાપક્ષ અને વિપક્ષના તમામ 64 સભ્યો એક સાથે ન બેસી શકે…? એકસૂરમાં વાત ન કરી શકે? અધિકારીઓને સાથે રાખી તેમની સાથે ચર્ચા-વિચારણા કરીને કોઇ સ્થાયી સમાધાન શોધી ન શકે? જરૂર પડયે આ માટે સામાન્ય સભાની રિક્વિઝેશન બેઠક પણ બોલાવી શકાય. એ જરૂરી નથી કે, રિક્વિઝેશન બેઠકની માંગ માત્ર વિપક્ષ જ કરે. સત્તાપક્ષ પણ કોઇપણ સળગતા મુદ્ે ચર્ચા માટે રિક્ઝિવેશન બેઠક બોલાવી શકે છે. જો આવું થશે તો જામનગરમાં ઇતિહાસ આલેખાઇ જશે. જો લોકોની સમસ્યાઓ ખાસ કરીને જે સમસ્યા જાનમાલ સાથે સંકળાયેલી હોય તેના ઉકેલ માટે જો તમે વિચાર શુધ્ધા નહીં તો તમને ચૂંટીને મોકલવાનો અર્થ શું?
જામનગરમાં રઝળતા ઢોરની સમસ્યા હજૂ વધુ ગંભીર અને જીવલેણ બને તે પહેલા આપણે ગંભીર બની જવાનો સમય પાકી ગયો છે. માત્ર જાહેરનામુ પ્રસિધ્ધ કરી દેવાથી આ સમસ્યા નહીં ઉકેલાય કોઇ નક્કર અને વ્યવહારૂં ઉકેલ શોધવો પડશે, તેના માટે સાથે બેસવું પડશે અને અધિકારીઓને બેસાડવા પડશે. જરૂર પડયે તજજ્ઞોનું માર્ગદર્શન મેળવી શકાય, અન્ય સ્થાનો અને શહેરોની વ્યવસ્થાનો અભ્યાસ પણ કરી શકાય. શું આ માટે શહેરના 64 કોર્પોરેટરો અને 14 અધિકારીઓ પાસે સમય છે? એ તો સમય જ બતાવશે…