ગુજરાત સરકારમાં 3 વર્ષમાં 32 ભરતી જાહેરાતોમાં 38,402 જેટલી જગ્યાઓની ભરતી લટકી પડી છેે. તેવામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બજેટમાં 1લી એપ્રિલ 2021થી શરૂ થતા નવા નાણાકીય વર્ષ સહિત આગામી પાંચ વર્ષમાં અર્થાત 31 માર્ચ 2025 પહેલા સરકારી કચેરીઓમાં, બોર્ડ- કોર્પોરેશનમાં, અનુદાનિત સંસ્થાઓમાં અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં લાયકાત ધરાવતા અંદાજે 2,00,00 યુવાનોની નવી ભરતી કરવાનું જાહેર કર્યુ હતુ. મોબાઈલ ઉપર લાઈવ જોઈ રહેલા બેરોજગાર યુવાનોએ આ જાહેરાતને વધાવવાને બદલે સોસિયલ મિડિયાના પ્લેટફોર્મ પરથી ગાજર અને લોલીપોપ કહીને વિરોધ પ્રદર્શિત કર્યો છે.
વિધાનસભામાં બજેટને રજૂ કરતા નાયબ મુખ્યમંત્રીએ આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં ફાર્મા, એનર્જી, મેન્યુફેક્ચરિંગ, એનર્જી, એન્જિનિયરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આઈટી, પ્રવાસન, હોસ્પિટાલિટી, ફુડ પ્રોસેસિંગ, બેન્કીંગ, સર્વિસ સેક્ટર જેવા વિવિધ સેક્ટરોમાં યુવાનો માટે 20 લાખ રોજગારીની તકો ઊભી કરવાનું વચન પણ આપ્યું હતું. વર્ષ 2019માં સરકારે 1લી ઓગસ્ટ 2018ના ઠરાવને આગળ ધરીને સરકારી ભરતી પ્રક્રિયાઓ સ્થગિત કરી હતી. કોરોનાને કારણે 2020ના વર્ષ દરમિયાન એક પણ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ નથી. આ દરમિયાન આઠ વિધાનસભા પેટા ચૂંટણીઓ અને વર્ષ 2021ના આરંભે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ સહિત રાજકીય મેળાવડા, રેલીઓ, સભાઓ થઈ છે. તેવામાં જુની ભરતી પ્રક્રિયાઓ પણ લટકી પડી છે. આથી, છેક વર્ષ 2017થી સરકારી નોકરીનું સ્વપ્નું જોઈ રહેલા લાખો યુવાનોમાં વધતી વય મર્યાદા, પરીવારિક જવાબદારીઓને કારણે પહેલાથી રોષ છે. જેને ઠરવા બજેટમાં સરકારે વધુ એક વાયદો કર્યો છે.
ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગત વર્ષે માર્ચ મહિના પછી વારંવાર પોલીસ તંત્રમાં નવી 13 હજાર ભરતીઓ કરવાનું જાહેર કરી ચૂક્યા છે. જો કે, એ વાયદો પૂરો થયો નથી ત્યાં ગૃહ વિભાગમાં વિવિધ સંવર્ગની કુલ 3,020 જગ્યા ઉભી કરવાનું નાણામંત્રીએ બજેટમાં જાહેર કર્યુ છે. એટલું જ નહિ, એરપોર્ટ, એરોડ્રોમ, વોટરડ્રોમ અને હેલિપેડની સલામતી માટે નવી બટાલિયનો ઊભી કરવાનું કહ્યુ છે. જો કે, તેના માટે એક પણ નવા રૂપિયાની જોગવાઈ કરી નથી ! આથી, પોલીસ સેવામાં જોડવા ઈચ્છતા યુવાનો પણ સોશિયલ મીડિયામાં વિફર્યા છે.