ટેકનોલોજીના આધુનિક યુગમાં ઓનલાઈન-ડીજીટલ વ્યવહારોના વધતા ટ્રેન્ડ વચ્ચે સાઈબર છેતરપીંડીમાં પણ મોટો વધારો થઈ રહ્યો છે અને દરરોજ સરેરાશ 221 કેસ નોંધાતા હોવાનો ચોંકાવનારો રીપોર્ટ જાહેર થયો છે. નેશનલ સાઈબર ક્રાઈમ રીપોર્ટીંગ પોર્ટલના ગુજરાત સ્થિત કો-ઓર્ડિનેટરના કહેવા પ્રમાણે 2021માં સાઈબર ફ્રોડ, છેતરપીંડી, હેકીંગ જેવા કિસ્સા 17237 હતા તે 2022માં વધીને 80681 નોંધાયા છે. સરળ ભાષામાં સાઈબર ફ્રોડના શિકાર બનેલા લોકોની ટેલિફોનીક કે લેખિત ફરિયાદની દૈનિક સંખ્યા 47થી વધીને 221 થઈ ગઈ છે. આ ગુનાઓમાં 87 ટકા નાણાંકીય હોય છે. 70183 કેસ નાણાંકીય છેતરપીંડીના જ હતા જયારે 5188 સોશ્યલ મીડીયા સંબંધી કેસ હતા.
રીપોર્ટ મુજબ કુલ સાઈબર ફ્રોડમાં 93 ટકા નાણાંકીય તથા સોશ્યલ મીડીયા સંબંધી છે. નાગરિકોને સીધી અસર થતી હોવાથી સુરક્ષા એજન્સીઓ દ્વારા આ શ્રેણીના ગુનાઓમાં ફોકસ વધારવામાં આવ્યું છે. અમદાવાદ સાઈબર સેલ પોલીસના ડીસીપી અજીત રજીયને કહ્યું કે સાઈબર ગુનેગારો સ્માર્ટ હોય છે અને સમયાંતરે મોડસ ઓપરેન્ડી બદલાવી નાખે છે.
સંખ્યાબંધ કેસોમાં જુની પદ્ધતિએ જ શિકાર કરે છે. પરંતુ ડીજીટલ વ્યાપમાં વૃદ્ધિને કારણે નવા લોકો શિકાર બની જાય છે. અનેક વખત કોમ્પ્યુટર કે લેપટોપને બદલે સ્માર્ટફોનનો ઉપયોગ કરીને છેતરપીંડી આચરે છે. માત્ર વ્યક્તિને જ નહીં, અનેક કિસ્સામાં નાની-મોટી પેઢી-કંપનીઓને પણ નિશાન બનાવે છે.
રાજયના સીઆઈડી ક્રાઈમના સાઈબર સેલના એસપી એસ.આર.ઓડેદરાએ કહ્યું કે ઓનલાઈન સ્ટોકીંગ, આર્ટીફીશીયલ એન્ટેલીજન્સનો ઉપયોગ કરીને બનાવટી વિડીયો બનાવતા સેકસટોર્શન જેવા ગુનાઓમાં પણ વૃદ્ધિ છે. માનસીક અને લાગણી પ્રભાવિત થતી હોવાથી ભોગ બનેલાઓનું કાઉન્સીલીંગ પણ કરવું પડે છે. ક્રીપ્ટોકરન્સીની ગુનાખોરીમાં પણ વધારો હોય તેમ 2022માં 192 ફરિયાદો થઈ હતી. દર બે દિવસે એક ફરિયાદ આવતી રહી છે. 2021માં આખા વર્ષમાં ક્રીપ્ટો ફ્રોડના 79 કેસ હતા. તે 2022માં ડબલ થઈ ગય હતા. નાણાંકીય ફ્રોડમાં પાંચ ગણો તથા હેકીંગના કિસ્સાઓમાં બે ગણો વધારો માલુમ પડયો છે.