કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં રહેતો યુવાન પગથિયા પર ઉભો થવા જતાં સમયે એકાએક ચકકર આવતા નીચે પટકાવાથી ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. દ્વારકામાં રહેતાં વિપ્ર પ્રૌઢને હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા દેવાભાઈ રામશીભાઈ કાગડિયા નામના 40 વર્ષના યુવાન તા. 1 ડિસેમ્બરના રોજ પગથિયા પરથી ઉભા થવા જતા તેમને એકાએક ચક્કર આવ્યા હતા. જેથી તેઓ પટકાઈ પડ્યા હતા. જેના કારણે તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની મૃતકના પિતા રામશીભાઈ દ્વારા જાણ કરાતા કલ્યાણપુર પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ રી હતી.
બીજો બનાવ, દ્વારકામાં જલારામ સોસાયટી વિસ્તારમાં રહેતા રાજેશભાઈ તારાચંદભાઈ પંડ્યા નામના 53 વર્ષના બ્રાહ્મણ આધેડને શ્વાસની તકલીફ હોય, તે દરમિયાન તેઓને ગત તારીખ 6 ના રોજ હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ મૃતકના પત્ની ઉમાબેન રાજેશભાઈ પંડ્યાએ દ્વારકા પોલીસને કરી છે.