કાલાવડ રોડ પર વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ફુલ સ્પીડે આવી રહેલું બાઈક વળાંક લેતી કાર સાથે ધડાકાભેર અથડાતા બાઇક સવાર બે યુવાનો ફૂટબોલની માફક ફંગોળાયા હતા. જેમાં એક યુવકની હાલત અત્યંત ગંભીર હોવાનું અને બીજાને પણ ફ્રેક્ચર સહિતની ઇજાઓ થયાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા હચમચાવતો વિડીયો પણ સામે આવ્યો છે.
વિડીઓમાં જોઈ શકાય છે કે કારનો ચાલક કોસ્મો પ્લેક્સની અંદર જવા માટે વળાંક લે છે. ત્યારે પૂર ઝડપે ઇસ્કોન મંદિરથી કોસ્મોપ્લેક્ષ તરફ આવતું બાઈક ધડાકાભેર કારની ડાબી તરફ અથડાય છે. જેને લઈને બાઇકમાં સવાર એક યુવક 50 ફૂટથી વધુ દૂર ફૂટબોલની માફક ફંગોળાય છે. જ્યારે બીજો પણ ઉછળીને કારની બીજીતરફ પટકાય છે. આ અકસ્માત સર્જતા ઘટના સ્થળ પર લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. પોલીસે પણ ઘટના સ્થળે પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.