જામનગર તાલુકાના હાપા ગામમાંથી સાત વર્ષની બાળકીનું અપહરણ કરનાર શખ્સને પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં જ દબોચી લઈ બાળકીને મુકત કરાવી પરિવારને સોંપી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના હાપા જીઆઈડીસી વિસ્તારમાં જલારામ મંદિર નજીકથી સાત વર્ષની બાળકીનું અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયાનું બાળકીના પિતા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી જે સંદર્ભે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી આર બી દેવધાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી એન બી ગોરડિયા તથા એલસીબી પીઆઇ વી.એમ.લગારીયા, એસઓજી પીઆઈ બી.એન. ચૌધરી અને પંચકોશી એ ડીવીઝન પીઆઈ એમ.એન. શેખ તથા રેલવે પીએસઆઇ પી.વી. ડોડિયા તેમજ એલસીબી – એસઓજી અને રેલવે પોલીસે સંયુકત તપાસ આરંભી હતી. તેમજ જુદી જુદી ટીમો દ્વારા સીસીટીવી કેમેરા ચેક કરી શહેરમાં નાકાબંધી કરી હતી. તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી બાળકીની શોધખોળ આરંભી હતી. દરમિયાન ગાંધીનગર રેલવે સ્ટેશને ઓખાથી રાજકોટ તરફ જતી ટ્રેનમાં બાળકી અને અપહરણ કરનાર શખ્સના ફુટેજો મળી આવતા પોલીસે ગણતરીના સમયમાં જ વિપુલ જાદવ દામોરીયા (ઉ.વ.30) (રહે. ગુલાબનગર, સંજરીચોક-જામનગર) નામના શખ્સને બાળકી સાથે દબોચી લઇ બાળકીને તેના પરિવારજનોને સોંપી આપી હતી અને વિપુલની પૂછપરછ આરંભી હતી.