જામનગર શહેરમાં મહાનગરપાલિકાના નેજા હેઠળ ડોર-ટુ-ડોર કચરો એકઠો કરવાનો કોન્ટ્રાકટ ધરાવતી કંપની પાવર લાઇન કંપનીના અધિકારીએ કર્મચારીઓની રજૂઆત અને પ્રશ્ર્નો સાંભળવાની બદલે ઉગ્ર થઇ જાતિ વિષયક હડધૂત અપમાનીત કર્યાના બનાવમાં પોલીસે એટ્રોસિટીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાંથી ડોર-ટુ-ડોર કચરો એકઠો કરવાના કોન્ટ્રાકટર પાવરલાઇન સેલ્સ એન્ડ સર્વિસ નામની કંપનીના અધિકારી વિરુધ્ધ નોંધાયેલી એટ્રોસિટિની ફરિયાદ મુજબ શહેરના સત્યમ કોલોની રોડ પર પ્રશાંતનગર વિસ્તારમાં રહેતા અને પાવરલાઇન કંપનીના કર્મચારી નારણભાઇ દેવજીભાઇ જોડ તથા અન્ય કર્મચારીઓ તેઓના પડતર એવા પગાર સ્લિમ, બોનસ, પીપીએફ સહિતના પ્રશ્ર્ને રજૂઆત કરવા ગત તા. 3ના રોજ ગયા હતાં. તે દરમિયાન કંપનીના અધિકારી રમેશ રાણાભાઇ જલુએ કર્મચારીઓની રજૂઆત સાંભળવાના બદલે ઉગ્ર થઇ જઇ કર્મચારીઓને ગાળો કાઢી જાતિ પ્રત્યે જાહેરમાં અપમાનીત કર્યા હતાં. અધિકારી દ્વારા કર્મચારીને જાતિય વિષયક અપમાનીત કરવા અંગે નારણભાઇ દ્વારા જાણ કરાતાં ડીવાયએસપી ડી.પી. વાઘેલા તથા સ્ટાફે કંપનીના અધિકારી વિરુધ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બીજીતરફ આ કંપની અવાર-નવાર વિવાદોમાં રહે છે અને કંપનીના કર્મચારી વિરુધ્ધ પોલીસ ફરિયાદ થતાં મામલો વધુ ગંભીર બની ગયો છે.