ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં પીજીવીસીએલની મીટર રીડીંગની કામગીરી કરવા ગયેલા જુનિયર આસીસ્ટન્ટ સહિતના બે કર્મચારીઓને એક શખ્સે અપશબ્દો બોલી ફડાકા મારી મુંઢ માર મારી ધમકી આપી હતી. આ બનાવમાં ભોગ બનનાર કર્મચારી દ્વારા મારી નાખવાની ધમકી અને ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં સોમવારે બપોરના સમયે પીજીવીસીએલની ટીમ મીટર રીડીંગના ચેકીંગ કામગીરી કરતી હતી તે દરમિયાન ઋતુરાજસિંહ ભીખુભા જાડેજા નામના શખ્સે પીજીવીસીએલના જુનિયર આસી. અજય રામભાઈ ઝાલા સહિતના કર્મચારીઓને આંતરીને અપશબ્દો બોલી ફડાકા ઝીંકયા હતાં તેમજ મુંઢ માર મારી પાવડો ઉગામી અને બાઈક લઇને આવી પતાવી દેવાની ધમકી આપી હતી. પીજીવીસીએલના કર્મચારી ઉપર હુમલો થતાં અફડા-તફડી મચી ગઈ હતી ત્યારબાદ ભોગ બનનાર અજય ઝાલા દ્વારા જાણ કરાતા એએસઆઈ એમ.પી. મોરી તથા સ્ટાફે ઋતુરાજસિંહ જાડેજા સામે ફરજમાં રૂકાવટ કરી પીજીવીસીએલના કર્મચારીને માર મારી ધમકી આપવાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. તપાસ દરમિયાન પોલીસે ઋતુરાજસિંહની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.