દ્વારકાધીશમાં અપરંપાર શ્રદ્ધા ધરાવતા કૃષ્ણ ભક્તોની સંખ્યા પણ ખૂબ જ મોટી છે. ત્યારે અંતરમાં આસ્થા સાથે કૃષ્ણ ભક્તિ કરવા વડોદરાથી ચાલીને દ્વારકા આવતા મોટી સંખ્યામાં યાત્રિકોનો સંઘ પણ આ બાબતનું એક ઉમદા ઉદાહરણ સમાન છે. વડોદરાથી દર વર્ષે કારતક માસમાં નિયમિત રીતે દ્વારકા આવતા આશરે 150 જેટલા પદયાત્રીઓ દ્વારા અહીં આવી, રોકાણ કરી અને મંદિરના શિખર પર સમયાંતરે નવ જેટલી ધજા ચડાવીને પૂજન અર્ચન તેમજ આસ્થા વ્યક્ત કરવામાં આવે છે. કૃષ્ણ ભક્તિના આ અનોખા ઉદાહરણમાં દર વર્ષે વડોદરાથી કૃષ્ણ ભક્તો સાથેનો યાત્રાળુ સંઘ વડોદરાથી ચાલીને દ્વારકા આવવા માટે નીકળે છે. મોટી સંખ્યામાં યુવાઓ-વડીલો તેમજ પાંચ-સાત વર્ષના બાળકો સાથે કાળીયા ઠાકોરને શીશ ઝૂકાવવા માટે આવતા યાત્રીકોના આ સંઘમાં પ્રતિ વર્ષ શરદ પૂનમના બીજે દિવસે ત્યાંથી પ્રસ્થાન કરવામાં આવે છે. આશરે 21 દિવસની પદયાત્રામાં નીકળતા આશરે 120 થી 150 ની સંખ્યામાં ભાવિકો પોતાની સાથે બે ટેમ્પો વાહનમાં જરૂરી સરસામાન રસોડું તેમજ રસોયાને લઈને નીકળે છે અને તેઓ જ નિયત સમયે ભોજન બનાવીને દ્વારકા પહોંચે છે. આ વચ્ચે ઉલ્લેખનિય છે કે આ તમામ યાત્રિકો સાથેનો સંઘ કોઈપણ પ્રકારના ડોનેશન વગર સ્વખર્ચે નીકળે છે. જેને વડોદરાથી દ્વારકા પહોંચતા આશરે 21 દિવસ થાય છે.દ્વારકામાં પાંચથી છ દિવસના રોકાણ દરમિયાન તેઓ દરરોજ જગત મંદિરના શિખર પર ધામધૂમપૂર્વક ધ્વજા ચડાવે છે. મહદ અંશે તેઓ તુલસી વિવાહના દિવસે અહીં પહોંચી જાય છે. ત્યારે બારસના રોજ ત્રણ ધજા, તેરસના દિવસે સંઘની એક સહિતની ત્રણ ધજા, ચૌદસના બે ધજા તેમજ પૂનમના દિવસે એક ધજા ચડાવી અને સંપૂર્ણપણે કૃષ્ણમય બની જાય છે. દરરોજ એક ધજા બ્રહ્મ ભોજન સાથેની હોય છે. આ તમામ ધજાઓ સંઘ દ્વારા એડવાન્સમાં જ આજીવન નોંધાવાઈ ચૂકી છે. આ વચ્ચે મહત્વની બાબત તો એ છે કે છેલ્લા 68 વર્ષથી વડોદરાથી નિયમિત રીતે પ્રસ્થાન કરતું દ્વારકા પગપાળા યાત્રાળુ સંઘ આ વખતે પણ ગત તારીખ 19 ઓક્ટોબરના રોજ વડોદરાથી રવાના થયો હતો. જે નિયત જગ્યાએ રાત્રે રોકાણ કરી, તારીખ 11 નવેમ્બરના રોજ દ્વારકા ખાતે પહોંચી ગયો હતો. યાત્રા સંઘના પાંચ દિવસના મુકામ દરમિયાન જગત મંદિરે નૂતન ધ્વજારોહણ, બ્રહ્મ ભોજન, 56 ભોગ, મનોરથ તેમજ કાળીયા ઠાકોર ને સુવર્ણ જડિત મુગટ અર્પણ કરવા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ્ર આયોજન માટે પટેલ જશભાઈ નારણભાઈ, પટેલ મહેન્દ્રભાઈ ભાઈલાલ ભાઈ, પટેલ મનુભાઈ ડાહ્યાભાઈ, પંડ્યા જ્યોતિપ્રસાદ પુરુષોત્તમદાસ, પટેલ નરેન્દ્રભાઈ પરસોતમભાઈ, પટેલ રાકેશભાઈ શાંતિલાલ અને પટેલ ભાવેશભાઈ મનુભાઈ સહિતના કાર્યકરો, સેવાભાવી ઓના વડપણ હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.દ્વારકા પગપાળા યાત્રાળુ સંઘના પ્રારંભે વર્ષો પહેલા આ સંઘમાં આ જ રીતે આશરે 300 થી 400 જેટલા પદયાત્રાળુઓ ચાલીને દ્વારકા આવતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ચાલીને આવતા યાત્રાળુઓની સંખ્યા ઘટી છે, પરંતુ તેઓની આસ્થામાં ઓટ આવી નથી. છેલ્લા 68 વર્ષથી નિયમિત રીતે કારતક માસમાં વડોદરાથી દ્વારકા આવતા આ પદયાત્રી સંઘમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્મૃતિ ભેટ તરીકે ભગવાન દ્વારકાધીશને 350 ગ્રામ સોનાનો મુગટ અર્પણ કરી, યથાશક્તિ આસ્થા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે છેલ્લા સાતેક દાયકાથી અવિરત રીતે કૃષ્ણ ભક્તો દ્વારા કરાતી આ ભક્તિને નતમસ્તક થઈ જવાય છે.