જામનગર શહેરમાં છેલ્લાં બે દિવસથી મહત્તમ તાપમાન 38 ડિગ્રી સ્થિર થતા શહેરીજનો ફરી એક વખત આકરા તાપનો સામનો કરી રહ્યા છે. બફારાના કારણે લોકો અકડાઈ ઉઠયા હતાં. ખાસ કરીને બપોરના સમયે આકરા તાપ અને લૂ ને કારણે લોકોએ બહાર નિકળવાનું ટાળ્યું હતું.
જામનગર શહેરમાં સુર્યનારાયણનો તાપ ફરી વધી રહ્યો છે. મહત્તમ તાપમાન 38 ડિગ્રીએ પહોંચતા ફરીથી શહેરીજનો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. જામનગર કલેકટર કચેરીના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન 38 ડિગ્રી લઘુતમ તાપમાન 25.5 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 80 ટકા તથા પવનની ગતિ 8.4 કિલોમીટર પ્રતિકલાકની નોંધાઈ હતી. તંત્ર દ્વારા પણ હીટવેવને ધ્યાને લઇ લોકોને તકેદારી દાખવવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને ગરમીને કારણે લોકોને ચકકર આવતા, ઉલ્ટી ઉબ્કા જેવું થાય તો તાત્કાલિક નજીકના દવાખાનાનો સંપર્ક કરવા પણ ડોકરટો દ્વારા પણ અપીલ કરવામાં આવી છે.
જામનગર શહેરમાં તાપમાન વધતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને બપોરના સમયે શહેરીજનો આકરાં તાપ અને લૂ ના કારણે બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. તેમજ ગરમી વધતાં છેલ્લાં એકાદ માસથી શેરડીનો રસ, છાશ-લસ્સી-આઈસ્ક્રીમ, કોલ્ડ્રીંકસ સહિતની ઠંડી ચીજવસ્તુઓની માંગ પણ વધી છે. તેમજ ગરમીથી બચવા અને ડીહાઈડ્રેશન થી બચવા માટે ડોકટરો દ્વારા પણ સતત પાણી પીતા રહેવા, લીંબુ પાણી તથા નાળિયેર પાણીનો પણ ઉપયોગ કરવા જણાવાઈ રહ્યું છે. નાગરિકોની સાથે સાથે આકરાં તાપથી પશુ-પક્ષીઓની હાલત પણ કફોડી બની છે. પશુઓ તડકાથી બચવા વૃક્ષોના છાયાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે.