આગામી ત્રણ વર્ષમાં ઇસરો 4 દેશોના સેટેલાઇટ લોંચ કરશે ઇસરોના કરાર 1140 કરોડ રૂપિયાથી વધુના છે. આ સેટેલાઇટ્સનું લોન્ચિંગ 2021થી 2023 વચ્ચે થવાનું છે. રાજ્યસબામાં એક સવાલના જવાબમાં પૃથ્વી વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર હોદ્દો) ડો.જિતેન્દ્રસિંહે આ માહિતી આપી. ડો. જિતેન્દ્રસિંહે જણાવ્યું કે, આ કરાર દ્વારા 1140 કરોડ રૂપિયાથી વધુ આવક મળશે. આ વિદેશી સેટેલાઇટ્સને વ્યવસાયિક લોન્ચ હેઠળ મોકલવામાં આવશે. ઇસરોની નવી વ્યવસાયિક શાખા ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડે આ કરાર કર્યો છે. અત્યાર સુધી ઇસરો 124 સ્વદેશી સેટેલાઇટ્સ અંતરિક્ષમાં લોન્ચ કરી ચૂક્યું છે. જેમાં 12 સેટેલાઇટ્સ વિદ્યાર્થીઓએ બનાવેલી છે. ડો. જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, વર્ષ 1999થી અત્યાર સુધી ઇસરો કુલ મળીને 34 દેશના 342 વિદેશી સેટેલાઇટ્સ અવકાશમાં લોન્ચ કરી ચૂક્યું છે. વિદેશી લોન્ચ દ્વારા ઇસરો પહેલા ત્રણ વર્ષ એટલે 2019થી 2021 વચ્ચે 10 મિલિયન યૂરો એટલે 86.48 કરોડ રૂપિયા કમાયું છે. જેટલા પણ વિદેશી સેટેલાઇટ્સ ઇસરોએ અંતરિક્ષમાં લોન્ચ કર્યા છે, તેમાં સૌથી વધુ અર્થ ઑબ્ઝરવેશન, વૈજ્ઞાનિક પ્રયોગ અને ટેક્નિકલ પ્રદર્શન માટે હતા. ભારતના સૌથી વધુ 226 અમેરિકન સેટેલાઇટ્સ લોન્ચ કર્યા છે. ત્યારબાદ 12-12 ઇંગ્લેન્ડ અને કેનેડા, 11 જર્મની અને 8 સિંગાપુરના સેટેલાઇટ્સ સામેલ છે. આ સિવાય ડઝનો વધુ દેશ છે, જે 1થી લઇને પાંચ સેટેલાઇટ્સ સુધી ભારતના રોકેટથી અંતરિક્ષમાં લોન્ચ કરાવી ચૂક્યા છે. ઇસરો સમગ્ર દુનિયામાં સૌથી સસ્તા લોન્ચ માટે જાણીતુ છે.