જામનગર શહેરમાં આવેલા ઝુલેલાલ મંદિર નજીક મધ્યરાત્રિના સમયે ચાર દિવસ પૂર્વે થયેલી બોલાચાલી અને ઝપાઝપીનો ખાર રાખી શ્રમિક યુવાનને જાતિ વિષયક અપમાનિત કરી પિતા-પુત્રએ યુવાન ઉપર કોયતા વડે હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે એટ્રોસિટી અને હુમલાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ભીમવાસ વિસ્તારમાં રહેતાં પરેશ ઉર્ફે ભટ્ટુ કિશોરભાઈ પરમાર નામના શ્રમિક યુવાનને પાંચ દિવસ પૂર્વે હુશેન સલીમ સંઘાર નામના શખ્સ સાથે સામા જોવા બાબતની બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. તેનો ખાર રાખીને શનિવારે રાત્રિના સમયે ઝુલેલાલ મંદિર નજીક પરેશને આંતરીને હુશેન સલીમ સંઘાર તથા સલીમ સંઘાર નામના પિતા-પુત્રએ યુવાનનો કાઠલો પકડી જાતિ પ્રત્યે અપમાનિત કરી કોયતા વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા ડીવાયએસપી જે.એન. ઝાલા તથા સ્ટાફે પરેશભાઈના નિવેદનના આધારે હુશેન સલીમ અને સલીમ સંઘાર નામના પિતા-પુત્ર વિરૂધ્ધ એટ્રોસિટી અને હુમલાનો ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.
સામાપક્ષે હુશેન સંઘાર નામના યુવાન ઉપર શનિવારે પરેશ ઉર્ફે ભટુ નામના શખ્સે પાંચ દિવસ પૂર્વે થયેલા માથાકૂટનો ખાર રાખી મારામારી અને ઝપાઝપી કરી ઠંડા પીણાની બોટલ વડે માથામાં હુમલો કર્યાના બનાવમાં પોલીસે પરેશ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.