બનાસકાંઠા જિલ્લાના શ્રદ્ધાળુઓનો પદયાત્રી સંઘ દેવભૂમિ દ્વારકા દર્શનાર્થે જવા નીકળ્યો હતો. આ સંઘ માળિયા-પીપળિયા હાઇવે પર આવેલા ચાંચાવદરડા ગામના પાટિયા નજીક પહોંચ્યો ત્યારે પુરપાટ અને બેફિકરાઇથી આવી રહેલા અજાણ્યા વાહને પાંચ પદયાત્રિકોને હડફેટ લેતાં ચાર પદયાત્રિકોના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા. ગંભીર રીતે ઘવાયેલા એક વ્યક્તિને સારવારઅર્થે હોસ્પિટલ ખસેડાયો છે.
મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને દિયોદર તાલુકાના શ્રદ્ધાળુઓનો એક સંઘ પગપાળા દ્વારકા જઈ રહ્યો હતો. આજે વહેલી સવારે જ્યારે આ સંઘ માળિયા-પીપળીયા હાઈવે પર આવેલા ચાચાવદરડા ગામના પાટિયા પાસેના પેટ્રોલ પંપ નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પૂરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહને પાંચ પદયાત્રીઓને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગતા જ ચાર પદયાત્રિકોના સ્થળ પરજ મોત નિપજયા હતા. આ ચાર મૃતકોની ઓળખ કરાતા ચૌધરી દિલીપભાઈ રાયભાઈ (ઉંમર 28 વર્ષ, રહે. અધગામ, દિયોદર), ચૌધરી હાર્દિકભાઈ માલાભાઈ (ઉંમર 28 વર્ષ, રહે. અધગામ, દિયોદર), ચૌધરી ભગવાનભાઈ લાલભાઈ (ઉંમર 65 વર્ષ, રહે. નયા દિયોદર, બનાસકાંઠા), ચૌધરી અમજાભાઈ લાલાભાઈ (ઉંમર 62 વર્ષ, રહે. નાના દિયોદર, બનાસકાંઠા) હોવાનું જાણવા મળ્યુ હતું.
View this post on Instagram
મૃતકોમાં બે યુવાનો અને બે આધેડ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્ત થયેલા અન્ય એક પદયાત્રીને તાત્કાલિક અસરથી મોરબીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણના આધારે પોલીસ ઘટના સ્થળે અને હોસ્પિટલે પહોંચી ગઇ હતી. જ્યાં પોલીસે ચાર મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


