જામનગર શહેરમાં દવાબજાર વિસ્તારમાં રહેતાં વેપારીની દુકાન પાસે ડીજે વગાડી દેકારો કરતા હોય જેથી વેપારીએ પણ ડીજે વગાડતા પાંચ શખ્સોએ વેપારી ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી જાતિ પ્રત્યે અપમાનિત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. આ બનાવમાં સામાપક્ષે પણ મહિલા દ્વારા વેપારી તથા તેના પરિવાર સામે માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરની દવાબજાર કોલોનીમાં બુધ્ધવિહાર ચોકમાં આવેલી રાજેશભાઇ બાબુભાઈ પરમાર નામના યુવાનની દુકાન પાસે રાત્રિના સમયે દરરોજ હુશેન ફિરોજ શેખ નામનો શખ્સ ડીજે વગાડી દેકારો બોલાવતો હતો. જેથી રાજેશે પણ ડીજે વગાડવાનું ચાલુ કરતા ગત રાત્રિના સમયે હુશેન ફિરોજ શેખ, સરફરાજ િરોજ શેખ, અભુ કુરેશી, ભકિત કુરેશી અને રેશ્માશેખ નામના પાંચ શખ્સોએ એકસંપ કરી વેપારીને ગાળો કાઢી લોખંડના પાઈપ વડે હુમલો કરી જાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો. આ બનાવમાં રાજેશ દ્વારા પાંચ શખ્સો સામે હુમલો કરી અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાવતા પીએેસઆઈ આર.કે. ખલીફા તથા સ્ટાફે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
જ્યારે સામાપક્ષે રેશ્માબેન ફિરોજ શેખ દ્વારા નોંધાવાયેલી ફરિયાદ મુજબ મહિલાના પુત્ર સરફરાજ સાથે માથાકૂટ કરી રાજેશ બાબુ પરમાર, પ્રીતિ રાજેશ પરમાર, ચાંદની અને ખુશી નામના ચાર શખ્સોએ લાકડાના ધોકા અને ઢીકાપાટુનો માર મારી ગાળો કાઢી હતી. જેના આધારે પીએસઆઈ આર.કે. ખલીફા તથા સ્ટાફે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.