જામનગર મહાનગરપાલિકામાં ખાલી પડેલ કાર્યપાલક એન્જિનિયરની તાત્કાલિક નિમણૂંક કરવાની માંગ સાથે વોર્ડ નં. 4ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ સહિતના કોંગ્રેસના કોર્પોરેટરોએ આજરોજ સતત ત્રીજા ગુરૂવારે ધરણા કર્યા હતાં અને તાત્કાલિક ધોરણે સિનિયોરીટી લાયકાત અને અનુભવના ધોરણે નિમણૂંક કરવા માંગણી કરી છે.
જામનગર મહાનગરપાલિકામાં કુલ પાંચ જગ્યામાંથી એક જગ્યામાં સીટી એન્જિનિયરની નિમણૂંક કરાઇ છે. બાકી રહેતાં ચાર કાર્યપાલક એન્જિનિયરની જગ્યા ઘણા સમયથી નિમણૂંક કરવામાં આવતી નથી અને અધિકારીઓને ચાર્જમાં રાખવામાં આવતાં હોવાથી તેમજ વધારે ચાર્જ સોંપવાથી અધિકારી ઉપર કામનું ભારણ રહે છે. આ અંગે જનરલ બોર્ડમાં પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી. જેને લઇ વોર્ડ નં. 4ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા આજે ધરણા પર બેસી વિરોધ દર્શાવ્યો હતો. તેમજ જ્યાં સુધી ચાર કાર્યપાલક એન્જિનિયરને સિનિયોરીટી, લાયકાત અને અનુભવના આધારે નિમણૂંક કરવામાં નહીં આવે ત્યાં સુધી દર અઠવાડીયામાં એક દિવસ સવારે 11 થી 5 વાગ્યા સુધી ધરણાની ચિમકી પણ ઉચ્ચારી છે. રચનાબેન નંદાણીયા સતત ત્રીજા ગુરૂવારે આ વિરોધ પ્રદર્શન યથાવત્ રાખ્યું હતું અને મહાનગરપાલિકા સામે લડત ચલાવી રહ્યાં છે. આ તકે કોર્પોરેટરો રચનાબેન નંદાણીયા, આનંદ ગોહિલ, આનંદ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં અને ધરણામાં જોડાયા હતાં.
જામ્યુકોમાં કાર્યપાલક એન્જિનિયરની નિમણૂંક કરવાની માંગ સાથે ધરણા
વોર્ડ નં. 4ના કોર્પોરેટર સહિત કોંગ્રેસના સતત ત્રીજા ગુરૂવારે ધરણા યોજાયા