જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતાં શખ્સે તેનું બેન્ક ખાતું અન્ય શખ્સને ઉપયોગ માટે આપ્યું હતું. જે એકાઉન્ટમાં રૂપિયા 9,90,000ના ગેરકાયદેસર વ્યવહારો મામલે પોલીસે બન્ને શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર 17માં રહેતા અને સેલ્સમેન તરીકે ફરજ બજાવતા વિમલ રાજેશભાઇ મહેતા નામના સેલ્સમેનએ તેના બેન્ક ખાતાની કિટ પુનિત રાઠોડને આપી હતી. આ કીટના આધારે પુનિતએ વિમલ સાથે મળીને બેન્ક ખાતામાં રૂા. 9,90,000ના ગેરકાયદેસર વ્યવહારો કર્યા હતા અને આ નાણાં ટ્રાન્સફર કરી સગેવગે કરી નાખ્યા હતા. જે સંદર્ભે એએસઆઇ એન. કે. ઝાલા તથા સ્ટાફએ બન્ને શખ્સ વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લા પોલીસવડા દ્વારા શહેર અને જિલ્લામાં પોતાના બેન્ક ખાતા અન્ય વ્યક્તિને ઉપયોગ માટે દઇ, ગેરકાયદેસર વ્યવહારો કરી ગુનો આચરતા શખ્સો ઉપર કડક કાર્યવાહી અંતર્ગત બે ડઝનથી વધુ શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે.


