જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ઠેબા ચોકડી નજીક મંગળવારની રાત્રિના સમયે પૂરપાટ આવી રહેલા છોટાહાથી વાહનના ચાલકે બાઈકસવાર વૃધ્ધને ઠોકર મારી હડફેટે લેતા વૃધ્ધનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, રાજકોટમાં ભક્તિનગર સર્કલ, ગીતા મંદિર પાછળના વિસ્તારમાં રહેતાં ભરતભાઈ ભીખુભાઈ લાઠીયા (ઉ.વ.65) નામના વૃદ્ધ તેના પુત્ર ધર્મેશ સાથે લાલપુર રહેતી બહેનના ઘરેથી પરત રાજકોટ જતા હતાં તે દરમિયાન મંગળવારે રાત્રિના સમયે તેના જીજે-03-ઈએચ-2074 નંબરના બાઈક પર ઠેબા ચોકડી પાસેથી પસાર થતા હતાં તે દરમિયાન પૂરપાટ બેફીકરાઈથી આવી રહેલા અજાણ્યા છોટાહાથીના ચાલકે વૃધ્ધના બાઈકને ઠોકર મારી હડફેટે લેતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત વૃધ્ધને સારવાર માટે જામનગરની જી. જી. હો્િટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગેની મૃતકના પુત્ર ધર્મેશભાઈ લાઠીયા દ્વારા જાણ કરાતા પીઆઇ વી.જે. રાઠોડ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી અજાણ્યા છોટાહાથીના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.