દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં સ્થિત રિઝર્વ પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામી અને જિલ્લા વન સંરક્ષક અધિકારી આર.ધનપાલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ સબ ઈન્સ્પેક્ટર આશાબહેને જણાવ્યું હતું કે “અમે અહીં વેસ્ટમાંથી બેસ્ટનો મંત્ર અપનાવી, નકામા બોક્સ કે અન્ય વસ્તુઓમાં ફૂલ-છોડ વાવીને પોલીસ સ્ટેશન ખાતે એક હરીયાળો બાગ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ”.
આ સાથે રેન્જ ફોરેસ્ટ ઓફીસર કે.કે.પીંડારીયાએ પણ ઉપસ્થિતોને વિવિધ ફૂલ-છોડ વિશે માહિતી આપતા વૃક્ષોનું જતન કરવું એ આપણી ફરજ છે તેમ જણાવ્યું હતું. વધુમાં તેમણે વિવિધ વૃક્ષોથી ક્યા ક્યા ફાયદા થાય છે અને તેની ઉપયોગીતા વિશે સમજણ આપી હતી. આ સાથે વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે, નકામી વસ્તુઓનો ઉપયોગ કરી તેમા વૃક્ષારોપણ કરવાની પી.એસ.આઈ.ની આ કામગીરીને બિરદાવી હતી. તેમણે આરોગ્ય સારૂ જળવાઈ રહે તે માટે વડ અને તુલસીના છોડ વાવવા જોઈએ તેમ જણાવી, વરસાદ વગર બાગાયતી ખેતીના વિકલ્પ અંગે પણ માહિતી આપી હતી. આ પ્રસંગે નાયબ વન સંરક્ષક એચ.એન.કટારીયા, ફોરેસ્ટર આર.જે.જાડેજા, આર.બી.લગારીયા, આર.કે.માડમ અને પોલીસ વિભાગના વિવિધ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.