કેન્દ્ર સરકારના રેલવે અને કાપડ મંત્રાલયના રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ જામનગર જિલ્લાના પ્રવાસે પહોંચ્યા છે. ત્યારે તેઓએ જામનગર રેલવે જંકશનની મુલાકાત લીધી હતી, અને રેલવેને લગતાં પ્રશ્ર્નો અને રજૂઆતો અંગે જામનગર મહાનગરપાલિકા તથા રેલવે વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
બેઠકમાં મંત્રીએ રેલવે હસ્તકની જમીન જામનગર મહાનગરપાલિકાના માધ્યમથી વિકસિત કરવા, પાણીના નિકાલ માટે અંડર પાસનું નિર્માણ કરવા તેમજ રેલવે ફાટક અંગેની મંજૂરી વગેરે બાબતે ઉપસ્થિત અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમજ જામનગર રેલવે જંકશનના રી- ડેવલપમેન્ટ અંગનો પ્લાન નિહાળી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, રાજકોટ ડી. આર. એમ. અનિલ જૈન, ભાવનગર ડી. આર. એમ. મનોજ ગોયલ, ઇ. નાયબ કમિશનર ભાવેશ જાની, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, શ્યામલ કુમાર, એમ. એલ. પુરોહિત, સુનિલ મિણા સહિતના અધિકારીઓ- પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રેલવે પ્લેટફોર્મ પર કાર્યરત બાંધણી વેચાણ કેન્દ્રની મુલાકાત લીધી
ભારત સરકારના રેલવે અને કાપડ મંત્રાલયના રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ સમીક્ષાર્થે જામનગર રેલવે જંકશન પહોંચ્યા હતા. જ્યાં તેઓએ રેલવે પ્લેટફોર્મ પર ભારત સરકારના સહયોગથી કાર્યરત બાંધણી વેંચાણ કેન્દ્રની મુલાકાત લીધી હતી, અને ઉત્પાદક પાસેથી બાંધણી વિશેની તલસ્પર્શી વિગતો મેળવી હતી. જી. આઈ. ટેગીંગ જામનગરની બાંધણી વૈશ્વિક સ્તરે પહોંચે અને લોકોમાં વધુમાં વધુ પસંદગી પામે તે માટે સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલ પ્રયાસો અને યોજનાઓ વિશે ઉપસ્થિત સૌને મંત્રીએ આ તકે માહિતગાર કર્યા હતા.