જામજોધપુર ગામમાંથી દારૂનો જથ્થો ભરેલી બોલેરો પસાર થવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે વોચ ગોઠવી વાહન પસાર થતા રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે વાહન ભગાડી દીધું હતું. જેથી પોલીસે ખાનગી બાઈકમાં ફિલ્મી સ્ટાઈલે પીછો કરતાં ગીંગણી ગામથી માલવડાનેશ તરફના માર્ગ પર બુટલેગરો વાહન મૂકી નાશી ગયા હતાં. બાદમાં પોલીસે જૂનાગઢ પાસીંગની બોલેરોની તલાસી લેતા તેમાંથી રૂા.3,98,500 ની કિંમતની 797 નંગ દારૂની બોટલો મળી આવતા પોલીસે બોલેરો અને દારૂ કબ્જે કરી બુટલેગરોની શોધખોળ આરંભી હતી.
દરોડાની વિગત મુજબ, જામજોધપુર ગામમાંથી દારૂ ભરેલી બોલેરો પીક-અપ વાહન પસાર થવાની મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચનાથી ડીવાયએસપી ડી.પી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.એન. ચૌહાણ, પીએસઆઈ એમ.જી.વસાવા, હેકો સુરેશભાઈ પરમાર, પ્રજ્ઞરાજસિંહ જાડેજા, પો.કો. સામતભાઈ ચંદ્રાવાડિયા, જયદીપભાઈ ડાંગર, દિલીપસિંહ જાડેજા, ઋષિરાજસિંહ વાળા, અશોકભાઈ ગાગીયા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી દરમિયાન બાતમી મુજબ જીજે-11-ટીટી-9642 નંબરની બોલેરોની આંતરવાનો પ્રયાસ કરતાં બુટલેગરે વાહન ભગાડી દીધું હતું. તેથી પોલીસે ખાનગી બાઈકમાં ફિલ્મી સ્ટાઇલે પીછો કર્યો હતો અને ગીંગણી ગામથી માલવડાનેશ તરફ પીછો કર્યા બાદ બુટલેગરો વાહન મુકી પલાયન થઈ ગયા હતાં. ત્યારબાદ પોલીસે બોલેરોની તલાસી લેતા તેમાંથી રૂા.3,98,500 ની કિંમતની 797 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા જામજોધપુર પોલીસે દારૂનો જથ્થો અને બે મોબાઇલ તેમન બોલેરો પીક-અપ વાહન મળી કુલ રૂા.7,09,500 નો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.