રેલવેની ટિકિટ બુક કરાવવા માટે આઇઆરસીટીસીની વેબસાઈટ પર લોગ-ઈન કરીને આખું ફોર્મ ભરવું પડે છે. જેમાં પેસેન્જરનું નામ, મુસાફરીની વિગતો માહિતી આપવી પડે છે. આ દરમિયાન ટિકિટ બૂક કરવામાં પણ વધારે સમય લાગી જાય છે. અનેકવાર તો એવું થાય છે કે સીટ હોવા છતાં વેઈટિંગની ટિકિટથી સંતોષ માનવું પડે છે. પણ હવે ફોર્મ ભરવાની ઝંઝટથી મળશે છુટકારો કેમ કે આઇઆરસીટીસી હવે એવું એડવાન્સ વોઈસ ફીચર લાવશે જેમાં તમે બોલશો એ પ્રમાણે ટિકિટ બુક થઈ જશે.
તમે ગૂગલ વોઈસ આસિસ્ટન્ટ અને એમેઝોન એલેક્સાની મદદ લેતા આવ્યા હશો અને હવે એવી જ રીતે તમને આઇઆરસીટીસી આ નવું ફીચર ઉપલબ્ધ કરાવશે. આઇઆરસીટીસીની આગામી વોઈસ બેઝ્ડ ઈ-ટિકિટ બુકિંગ સુવિધા ઓનલાઇન રિઝર્વેશન ટિકિટ બુકિંગ પ્રોસેસને ઝડપી અને સરળ બનાવશે. સૂત્રોએ દાવો કર્યો કે આઇઆરસીટીસી હાલમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ પર AskDishaમાં ધરખમ ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. અહેવાલ અનુસાર પ્રથમ ટ્રાયલ સફળ પણ રહી છે. આ ફીચરને રોલઆઉટ કરતા પહેલા આઇઆરસીટીસીદ્વારા જલદી જ અમુક અન્ય પગલાં ભરવામાં આવી શકે છે.