ખંભાળિયામાં એક શખ્સ દ્વારા પોતાના માતા પાસે પૈસા માંગી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ શખ્સ સામે ધોરણસર પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયામાં તાલુકા પંચાયત કચેરીની પાછળ રહેતા અને હાલ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ગામના પ્રજ્ઞાબેન ભરતભાઈ ભાનુશંકર મહેતા નામના 66 વર્ષના વૃદ્ધાએ પોતાના પુત્ર અમિત (ઉ.વ. 44) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અમિતને કોર્ટમાં હાજર રહેવાનું હોય, માતા-પુત્ર ધ્રાંગધ્રાથી ખંભાળિયા આવ્યા હતા. અહીં તાલુકા પંચાયત કચેરી પાછળ આવેલા તેમના મકાને તેઓ હતા, ત્યારે શનિવારે સાંજના ચારેક વાગ્યાના સમયે અમિતે પોતાના માતા પ્રજ્ઞાબેન પાસે વાપરવાના પૈસા માગતા તેણી પાસે ન હોવાનું જણાવ્યું હતું. જેથી અમિત ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના માતાને બિભત્સ ગાળો કાઢી હતી.
આટલું જ નહીં, અમિતે પોતાના માતાને મારી નાખવાની ધમકી આપી, ઘરમાં રહેલી વસ્તુના છૂટા ઘા તેણી ઉપર ફેંક્યા હતા. આ દરમિયાન પ્રજ્ઞાબેનનો પૌત્ર હરદિપ વચ્ચે પડતા તેને પણ અમિતે બિભત્સ ગાળો કાઢી હતી.
આમ, માતાની પાસે પૈસા માંગી અને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ પ્રજ્ઞાબેન ભરતભાઈ મહેતાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અમિત ભરતભાઈ મહેતા સામે આઈ.પી.સી. કલમ 504 તથા 506 (2) મુજબ ગુનો નોંધી, આરોપી પુત્રની અટકાયત કરી લીધી હતી.