જામનગર શહેરમાં મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં બે શખ્સોએ લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી જાતિ પ્રત્યે અપમાનિત કર્યાના બનાવમાં આરોપીએ સેશન્સ કોર્ટમાં કરેલી સરેન્ડર અરજી અદાલતે ફગાવી દીધી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીબેન ચાવડા નામના મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેણીના ઘર બહાર અપશબ્દો બોલવાનો અવાજ આવતા બહાર નિકળતા નિકુલસિંહ ગંભીરસિંહ જાડેજા, મુકેશ જાનીભાઈ શર્મા સહિતના અન્ય શખ્સો પાઈપ અને ધોકા ધારણ કરી ઉભા હતાં. ત્યારે મહિલાના સાસુને આ શખ્સોએ માર મારી તેનો મોબાઈલ તોડી નાખી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી પથ્થરનો ઘા મારી નાશી ગયા હતાં. હુમલાના બનાવમાં નિકુલસિંહ જાડેજા અને મુકેશ જાનીભાઈ શર્મા નામના બંને શખ્સોને પોલીસ ઉપલકમાં રાખી થર્ડ ડિગ્રી અપનાવી મારકૂટ કરી ખોટી કબુલાત કરાવશે તેવી દહેશત હોવાથી આરોપીઓએ સેશન્સ કોર્ટમાં સરેન્ડર થવાની અરજી કરી હતી.
અરજી સંદર્ભે ડીવાયએસપી ડી.પી.વાઘેલા તથા સરકારી વકીલ ધર્મેન્દ્ર જીવરાજાની દ્વારા સરેન્ડર અરજીનો વિરોધ કરી આ કામના આરોપીઓનું નામ પ્રથમથી જ ફરિયાદમાં નોંધાવેલ છે. બંને આરોપીઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કરવાના બાકી હોય અને બંને આરોપીઓની પૂછપરછ કરી અજાણ્યા હુમલાખોરોના નામ જાણી અટક કરવાની હોવાથી બંને આરોપીઓની પોલીસને હાજરીની જરૂરત હોવાની દલીલો માન્ય રાખી સેશન્સ જજ એ.એસ.વ્યાસે નિકુલસિંહ જાડેજા અને મુકેશ જાનીભાઈ શર્માની સરેન્ડર અરજી નામંજૂર કરી હતી.