જામનગર શહેરમાં બાળકોના સ્મશાન પાછળના વિસ્તારમાંથી મજૂરી કામ કરતા શખ્સના મકાનમાં સ્થાનિક પોલીસે તલાસી લેતા રૂા.12,000 ની કિંમતની 24 બોટલ મળી આવતા શખ્સની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જોડિયા તાલુકાના પીઠડ ગામમાંથી પોલીસે 21 બોટલ કબ્જે કરી શખ્સની શોધખોળ આરંભી હતી. જામનગરના ગોકુલનગર રડાર રોડ પરથી પોલીસે શખ્સને 80 નંગ ચપટા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.લાલપુરમાં રૂપાવટી ચોકડી પાસેથી સ્થાનિક પોલીસે ત્રણ બોટલ દારૂ સાથે શખ્સને ઝડપી લીધો હતો.
દારૂના દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરમાં દિગ્વીજય પ્લોટ 58 વિસ્તારમાં આવેલા બાળકોના સ્મશાન પાછળના વિસ્તારમાં રહેતાં કરણ ઉર્ફે કરણો બાડો વસંત ગોરી નામના શખ્સના મકાનમાંથી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે તલાસી લેતા મકાનમાંથી રૂા.12000 ની કિંમતની 24 બોટલ મળી આવતા કરણની ધરપકડ કરી હતી.
જોડિયા તાલુકાના પીઠડ ગામમાં સ્મશાનની દિવાલ નજીકથી પોલીસે રૂા.10500 ની કિંમતની 21 નંગ ઈંગ્લીશ દારૂની બોટલો કબ્જે કરી હતી અને આ દારૂના જથ્થા સંદર્ભે સહદેવ મનસુખ કુંભારવડિયા નામના શખ્સ વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.
જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરથી પસાર થતા સતિષ કાંતિલાલ બુધેલીયા નામના શખ્સને સિટી સી ડીવીઝન પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.8000 ની કિંમતના ઈંગ્લીશ દારૂના 80 નંગ ચપટા મળી આવતા પોલીસે સતિષની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાલપુરના રૂપાવટી ચોકડી પાસેથી પસાર થતા કેતન ઉર્ફે મુન્નો ચંદ્રકાંત માખેચા નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.1500ની કિંમતની ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ મળી આવતા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી હતી.