બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની પત્ની ગૌરીખાન અને ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં તુલસીયાની ગ્રુપના ચીફ મેનેજિંગ ડિરેક્ટર સહિત બે અધિકારીઓ સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું છે કે ગૌરી તુલસીયાની ગ્રુપની બ્રાન્ડ એમ્બેસેડર છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, 25 ફેબ્રુઆરીએ લખનૌના સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં ગૌરીની સાથે મુંબઈના બિઝનેસમેન કિરીટ જસવંતે ક્ધસ્ટ્રક્શન કંપની તુલસિયાની ક્ધસ્ટ્રક્શન્સ એન્ડ ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડના ચીફ મેનેજિંગ ડિરેક્ટર અનિલ કુમાર તુલસિયાની અને ડિરેક્ટર મહેશ તુલસીયાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જસવંતનો આરોપ છે કે ગૌરી ખાન તુલસીયાની ગ્રુપની બ્રાન્ડ એમ્બેસેડર છે અને તેના દ્વારા કરવામાં આવેલી જાહેરાત પર વિશ્વાસ કરીને તેણે વર્ષ 2015માં લખનૌમાં તુલસીયાની ગ્રુપના એક પ્રોજેક્ટમાં ફ્લેટ બુક કરાવ્યો હતો.
જસવંતના કહેવા પ્રમાણે, તેણે ફ્લેટ બુક કરાવવા માટે તુલસીયાની ગ્રૂપને 85 લાખ 46 હજાર રૂપિયા ચૂકવ્યા હતા, તેમ છતાં કંપનીએ તેમને ફ્લેટનું પઝેશન આપ્યું ન હતું. જસવંતનો આરોપ છે કે કંપનીના ચીફ મેનેજિંગ ડિરેક્ટર અનિલ તુલસિયાની અને ડિરેક્ટર મહેશ તુલસિયાનીએ પૈસા પાછા માંગવા માટે વિવિધ બહાના બનાવવાનું શરૂ કર્યું. જસવંત કહે છે કે વર્ષ 2017માં કંપનીએ અલગ-અલગ તારીખે કુલ 22 લાખ 70 હજાર રૂપિયા નુકસાની તરીકે ચૂકવ્યા હતા અને કહ્યું હતું કે જો છ મહિનામાં પઝેશન નહીં આપવામાં આવે તો કંપની વ્યાજ સહિત આખી રકમ પરત કરશે. જસવંતે કહ્યું હતું કે તેને ન તો કબજો અપાયો છે કે ન તો રકમ પરત આપવામાં આવી છે. તેણે આગળ ઉમેર્યુ હતુ કે પાછળથી તેને જાણ થઈ કે જે ફ્લેટના વેચાણ માટે તે કરાર કરવામાં આવ્યો હતો, તેનો જ કરાર અન્ય કોઈ વ્યક્તિ સાથે પણ કરવામાં આવ્યો હતો.