જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં તોફાન કરતા શખ્સોને દેકારો કરવાની ના પાડતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ અપશબ્દો બોલી લોખંડના ધારીયા અને પાઈપ વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. જામનગરના ધરારનગર પાસે આવેલા આવાસ કોલોનીમાં વૃદ્ધ ઉપર ઘર પાસે બહાર બેસવા બાબતે માતા અને પુત્રએ લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો.
આ બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવમાં જામનગરના ધરારનગર 1 વિસ્તારમાં કેવડા પાટ શાળા વિસ્તારમાં જંગલખાતાની ઓફિસની બાજુમાં રહેતાં ઈમરાનભાઈ મકરાણી નામનો યુવાન મંગળવારે રાત્રિના સમયે તેના ઘરે જતો હતો તે દરમિયાન માર્ગ પર ખુટીયા બાજતા હતાં અને ત્રણ શખ્સો તોફાન કરતાં હતાં જેથી ઈમરાને તોફાન અને દેકારો કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા અહેમદ સતાર, રજાક અલ્લારખા સહિતના ત્રણ શખ્સોએ એકસંપ કરી ઈમરાન ઉપર લોખંડના ધારીયા વડે હુમલો કર્યો હતો. તેમજ ઈમરાનના ભાઈ ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી. ત્રણ શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં ઘવાયેલા બંને ભાઈઓને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ આર.પી.અસારી તથા સ્ટાફે ઈમરાનના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના ધરારનગરમાં જવાહરનગર પાવરહાઉસ પાસે આવેલા ત્રણ માળિયા આવાસ કવાર્ટરમાં રહેતાં મહમદ અલીભાઈ મલેક નામના વૃદ્ધ તેના ઘરની બહાર બેઠાં હતાં તે દરમિયાન જરીનાબહેન અને તેનો પુત્ર આમીન રહીમ સંધી બંનેએ આવીને તને અહીંયા બેસવાની ના પાડી છે તો પણ કેમ બેસશ ? તેમ કહી બોલાચાલી કરી માતા અને પુત્રએ વૃદ્ધ ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ જે.એસ. ગોવાણી તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.