કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં રહેતાં ખેડૂત આધેડના પુત્ર તેના જ ગામની યુવતી સાથે મોબાઇલમાં મેસેજ ઉપર વાતચીત કરતાં હોવાની યુવતીના પિતાને ધ્યાને આવી જતાં યુવકના પિતાને ગામ છોડી દેવાની ધમકી આપ્યાના મનદુ:ખ દરમિયાન આધેડ ઉપર બોલેરો ગાડીથી ઠોકર મારી લોખંડના પાઈપ વડે હુમલો કરી બંદૂક તાકીને પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં રહેતા ઈકબાલ મથુપૌત્રા નામના યુવાનને તેના જ ગામમાં રહેતી યુવતી સાથે મોબાઇલમાં મેસેજ કરી વાતચીત કરતાં હતાં. આ મોબાઇલ મેસેજની યુવતીના પિતાને ખબર પડી જતાં યુનુસે યુવાનના પિતા અનવરભાઈ મથુપૌત્રાને ગામ છોડી જતું રહેવાનું કહ્યું હતું. નહીં તો પતાવી દેવાની ધમકી પણ આપી હતી. છેલ્લાં છ માસથી બંને વચ્ચે આ બાબતે મનદુખ ચાલતું હતું. દરમિયાન મંગળવારે બપોરના સમયે અનવરભાઈ ધુનધોરાજી ગામ પાસેથી બાઈક પર પસાર થતા હતાં તે દરમિયાન યુનુસ બોલેરો કાર લઇ ધસી આવ્યો હતો અને અનવરભાઈને પતાવી દેવાના ઈરાદે બોલેરોથી બાઈકને ઠોકર મારી પછાડી દીધા હતાં તેમજ લોખંડના પાઇપ વડે માર મારી મુંઢ ઈજાઓ પહોંચાડી હતી. ઉપરાંત યુનુસે તેની પાસે રહેલી બંદૂક તાકીને આધેડને પતાવી દેવાની ધમકી આપી હતી.
મોબાઇલમાં મેસેજ બાબતે યુવાનના પિતાની હત્યા નિપજાવવાનો પ્રયાસ કરી બંદૂક તાકી ધમકી આપ્યાના બનાવ અંગેની જાણ કરાતા પીએસઆઇ એચ.વી. પટેલ તથા સ્ટાફે અનવરભાઈના નિવેદનના આધારે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.


