જામનગર જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારઘીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે ‘પોલીસ સલાહકાર સમિતિ’ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં સદસ્યો દ્વારા જી.જી. હોસ્પિટલ અને એસ.ટી. ડેપો વિસ્તારમાંથી દબાણો હટાવવા, પોલીસ અને જનતા વચ્ચે સંવાદ વધુ સધાય, મહિલાઓની સુરક્ષા જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં સમિતિના સદસ્યઓએ સૂચન કરતા જણાવ્યું હતું કે, શહેરના સુપ્રસિદ્ધ સ્થળ રણમલ તળાવ પાસે અસામાજિક તત્વોના નિવારણ માટે કડક પગલાં ભરવા, એસ.ટી. ડેપો પાછળના રસ્તાનો સુચારુ રીતે ઉપયોગ કરવો. જેથી સાત રસ્તા પાસેનું ટ્રાફિક ભારણ ઘટાડી શકાય. પ્રદર્શન ગ્રાઉન્ડ અને સાત રસ્તા પરના ખાનગી ટ્રાવેલર્સને અલગથી તે જ વિસ્તારમાં સ્પોટ ફાળવવામાં આવે, જેથી ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં. સ્ટેટ હાઇવે પર નવા રંગીન સલામતી ચિહ્નો અને રસ્તા દર્શાવતા બોર્ડ મુકવામાં આવે તેમજ મનોરંજન શાખા અને પોલીસ તંત્રનું સંકલન સાધવામાં આવે સહિતની બાબતે સૂચનો થયા બાદ વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ જરૂરી સુચનોનું સત્વરે અમલીકરણ થાય તે દિશામાં કામગીરી-આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, અધિક નિવાસી કલેકટર બી. એન. ખેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હારુન ભાયા, જામનગર વાહન વ્યવહાર કોર્પોરેશન વિભાગીય નિયામક, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી સ્ટાફ તેમજ સમિતિના અન્ય સદસ્યઓ હાજર રહ્યા હતા.