Monday, December 23, 2024
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છલૈયારા અને રામપર નજીક બે બનાવોમાં દ્વારકા જતાં બે પદયાત્રીના મોત

લૈયારા અને રામપર નજીક બે બનાવોમાં દ્વારકા જતાં બે પદયાત્રીના મોત

ફુલડોલ ઉત્સવમાં હજારો શ્રધ્ધાળુઓ પદયાત્રા કરી દ્વારકા દર્શનાર્થે જાય છે : રામપર નજીક અજાણ્યા ટ્રકે ઠોકરે ચડાવતા નથુવડલાના યુવાનનું મૃત્યુ : લૈયારા નજીક કારે હડફેટે લેતા ચોટીલાના પ્રૌઢનું મોત : અન્ય બે વ્યક્તિઓને ઈજા

- Advertisement -

દેવભૂમિ દ્વારકામાં આગામી સપ્તાહમાં ફુલડોલ ઉત્સવની ઉજવણીમાં ગુજરાત તથા રાજ્ય બહારથી શ્રધ્ધાળુઓ પગપાળા દ્વારકા દર્શનાર્થે જઈ રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ફુલડોલ ઉત્સવમાં લાખો શ્રધ્ધાળુઓ દ્વારકા આવે છે. દરમિયાન રવિવારના દિવસે જુદા જુદા બે અકસ્માતમાં બે વાહનચાલકોએ પદયાત્રીઓને હડફેટે લેતા બે યુવાન પદયાત્રીના મોત નિપજ્યાની ઘટનામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

હોળીના તહેવાર દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફુલડોલનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ ઉત્સવમાં ગુજરાત તથા રાજ્ય બહારથી અનેક શ્રધ્ધાળુઓ પગપાળા દ્વારકાધીશના ચરણે શીશ ઝુકાવી ફુલડોલ ઉત્સવમાં ભાગ લેવા આવે છે. ફુલડોલ ઉત્સવ નજીકના દિવસોમાં જ હોવાથી ગામેગામથી પદયાત્રીઓ દ્વારકા તરફ જવા રવાના થયા છે. આ પદયાત્રીઓ માટે ધોરીમાર્ગ પર ઠેકઠેકાણે કેમ્પો યોજવામાં આવ્યા છે. દર વર્ષે પદયાત્રા કરી દ્વારકા જતાં પદયાત્રીકો પૈકીના અમુક પદયાત્રીઓના વાહન અકસ્કમાતમાં મોત નિપજવાની ઘટનાઓ બનતી રહે છે. પોલીસ વિભાગ અને તંત્ર દ્વારા ઘણી બધી સાવચેતીઓ રાખવામાં આવે છે તેમ છતાં અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. દરમિયાન રવિવારની મધ્યરાત્રિના સમયે જામનગર તાલુકાના રામપર ગામના તથા નાની બાણુંગાર ગામના વચ્ચેના માર્ગ પરથી અનેક પદયાત્રીઓ દ્વારકા તરફ જતાં હતાં.

ત્યારે પૂરઝડપે બેફીકરાઈથી આવી રહેલા અજાણ્યા ટ્રકચલાકે ધ્રોલ તાલુકાના નથુવડલા ગામના હિમાંશુભાઈ ચંદુલાલ કગથરા (ઉ.વ.25) નામના યુવાનને ઠોકર મારી હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ યુવાનનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રકચાલક નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતકની સાથે પદયાત્રા કરનારા નાગજીભાઇ કગથરા દ્વારા જાણ કરાતા પીએસઆઈ આર.એલ. ઓડેદરા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન મૃતક પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતો હોવાની તેમજ મૃતકના પિતા ચંદુલાલ પોરબંદરમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા હોવાનું ખુલ્યું હતું.

- Advertisement -

બીજો અકસ્માત, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના પીયાવા ગામના હામાભાઈ ઢગેલ તથા રાજાભાઈ સામતભાઈ જોગરાજીયા અને નાથાભાઈ નામના ત્રણ મિત્રો તેના ગામથી દ્વારકા પગપાળા જતા હતાં તે દરમિયાન ધ્રોલ તાલુકાના લૈયારા ગામ પહેલા આવેલી સોમનાથ હોટલ નજીક પહોંચ્યા ત્યારે રવિવારે સવારના સમયે પાછળથી પૂરઝડપે આવી રહેલી જીજે-03-સીઆર-6434 નંબરની કારના ચાલકે હામાભાઈ સહિત ત્રણેય મિત્રોને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં નાથાભાઇ અને હામાભાઈને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જ્યારે રાજાભાઈ સામતભાઈ જોગરાજીયાને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં રાજાભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગે જાણ કરાતા પીએસઆઈ પી.જી.પનારા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular