જામનગર શહેરમાં કાલાવડ બહાર રહેતો યુવાન જામનગરથી રાજકોટ તરફ જતો હતો ત્યારે ફલ્લા ગામ પાસેના રોડ પર સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ઈકો કાર રોડથી નીચે ઉતરીને પલ્ટી ખાઈ જતાં શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ચાલક યુવાનનું મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતો સબીર મહમદભાઈ બાજરીયા (ઉ.વ.30) નામનો યુવાન ગત તા.19 ના રોજ બપોરના સમયે તેની જીજે-10-ડીઈ-7590 નંબરની ઈકો કાર લઇ રાજકોટ તેના ભાઈના ઘરે જતો હતો તે દરમિયાન ફલ્લા નજીક પહોંચ્યો ત્યારે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર રોડ પરથી ઉતરીને પલ્ટી ખાઈ જતા અકસ્માતમાં યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાદમાં ઈજાગ્રસ્ત સબીરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જુબેરભાઈ બાજરીયા દ્વારા જાણ કરાતા હેકો ડી.એન. રાઠોડ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.