ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના અધ્યક્ષ ગુલામ નબી આઝાદે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશને લીગલ નોટિસ મોકલાવી હતી. પૂર્વ કોંગ્રેસ નેતાએ ’ગુલામ’, ’મીર જાફર’ અને ’વોટમાં ભાગલા પડાવનાર’ કહેવા બદલ જયરામ રમેશને આ માનહાનિની નોટિસ મોકલાવી હતી. આઝાદે કાનૂની સલાહકાર નરેશ કુમાર ગુપ્તાના માધ્યમથી મોકલેલી નોટિસમાં બેદાગ પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા બદલ 2 કરોડ રુપિયાના વળતરની પણ માગ કરી છે.
નોટિસમાં જણાવાયું છે કે જયરામ રમેશ રાષ્ટ્રીય સ્તરે આઝાદના વધતા સન્માન અને પ્રતિષ્ઠાને કલંકિત કરવા અને નુકસાન પહોંચાડવા માટે હંમેશા અવસર શોધે છે. આઝાદને પદ્મભૂષણથી સન્માનિત કરાયાના થોડીકવાર પછી જ બીજાના અભિપ્રાયમાં આઝાદને નીચુ બતાવવા જયરામ રમેશે તેમના ટ્વિટર હેન્ડલ પર શેર કરેલી પોસ્ટમાં વારંવાર ’ગુલામ’ શબ્દનો પ્રયોગ કર્યો હતો. આવું જાણીજોઈને કરાયું હતું.
નરેશ કુમાર ગુપ્તાએ કહ્યું કે જયરામ રમેશે ગુલામ શબ્દનો પ્રયોગ સ્લવે (ગુલામ) તરીકે કર્યો છે. તેમણે આઈપીસીની કલમ 500 હેઠળ આ ગુનો કર્યો છે અને તેમણે આ વળતર ચૂકવવું જોઈએ. નોટિસમાં કહેવાયું કે આઝાદ વિરુદ્ધ પ્રેસમાં આપેલા નિવેદનો દ્વેષ આધારિત હતા અને તેનાથી આઝાદને માનસિક પીડતા, યાતના, ઉત્પીડન થયું અને તેમની છબિ ખરડાઈ. ગુપ્તાએ રમેશને કાનૂની નોટિસ મળવાની તારીખથી બે સપ્તાહમાં મીડિયાના માધ્યમથી કે કોઈ પણ અન્ય કમ્યુનિકેશનના માધ્યમથી બિનશરતી માફી માગવાની સલાહ આપી છે.