ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ દ્વારકાથી થોડા અંતર પર આવેલા બરડિયા ગામ નજીક નિર્માણ પામેલા દ્વારિકા નેમિજીન તીર્થ (બાવન જિનાલય) જૈન તીર્થના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, સાંસદ પૂનમ બહેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક સહિતના ઊપસ્થિત રહ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, નેમિનાથ જૈન દેરાસરએ અદભુત છે. ટુંકા સમય ગાળામાં જ દેરાસરનું નિર્માણ થયું તે ખૂબ જ સરાહનિય છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે દુષણો દૂર કરવા, યુવાઓને સાચી દિશામાં વાળવાનું કામ માત્ર ગુરુ ભગવંતો જ કરી શકે છે. ગુરૂ ભગવંતોના માર્ગદર્શનનાં લીધે યુવાઓને સાચી દિશા મળી રહી છે. ત્યારે આપણે ઈશ્ર્વર શક્તિનો સંપૂર્ણ સદુપયોગ કરવો જોઈએ.
મંત્રીએ આગળ જણાવ્યું કે, ડ્રગ સામેની લડાઇ એ સામાન્ય નથી. ગુજરાત પોલીસે ડ્રગ આવતું રોક્યું અને હજુ પણ વધુ મજબૂતીથી આ દિશામાં આગળ વધીશું. ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓનો લાભ પણ લોકો લે તેમ અંતમાં કહ્યું હતું. આ તકે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી અને પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા સહિતના મહાનુભાવોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.