જામનગર શહેરમાં વામ્બે આવાસ રોડ પરના વિસ્તારમાં રહેતી મહિલાએ તેણીના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામના વાડી વિસ્તારમાં અકસ્માતે પગ લપસતા કૂવામાં પડી જવાથી વૃદ્ધનું ડૂબી જતાં મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર શહેરમાં ખુલ્લી ફાટક વામ્બે આવાસ પાસે મેલડી માતાજીના મંદિરની બાજુમાં સોનલબેન મિતલભાઈ સોમૈયા (ઉ.વ.24)નામની મહિલાએ ગત શનિવારે સવારના સમયે તેણીના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે વસંતબેન જાદવ દ્વાર જાણ કરાતા પીએસઆઈ ડી.પી. ચુડાસમા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી મહિલાના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.
બીજો બનાવ, ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામના વાડી વિસ્તારમાં શનિવારની મધ્યરાત્રિના સમયે મયાભાઈ ધનાભાઈ વહેરા (ઉ.વ.55) નામના વૃદ્ધનો અકસ્માતે પગ લપસી જતાં કૂવામાં પડતા ડૂબી જવાથી બેશુધ્ધ થઈ ગયા હતાં. આ અંગે વિરમભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ વી.ડી.રાવલિયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ વૃધ્ધને કુવામાંથી બહાર કાઢી ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જેના આધારે પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.