Sunday, December 22, 2024
Homeમનોરંજનગોદરેજે ખરીદી લીધો રાજ કપૂરનો ચેમ્બુર સ્થિત બંગલો

ગોદરેજે ખરીદી લીધો રાજ કપૂરનો ચેમ્બુર સ્થિત બંગલો

- Advertisement -

ગોદરેજ પ્રોપર્ટીઝ લિમિટેડે મહાન ફિલ્મ કલાકાર, ડિરેક્ટર અને નિર્માતા રાજ કપૂરનો મુંબઈના ચેમ્બુર સ્થિત બંગલો ખરીદી લીધો છે. હવે કંપની ત્યાં રૂ.500 કરોડના મૂલ્યનો લક્ઝુરી હાઉસિંગ પ્રોજેક્ટ ડેવલપ કરશે. ગોદરેજ પ્રોપર્ટીઝે રેગ્યૂલેટરી ફાઈલિંગમાં કહ્યું હતું કે રાજ કપૂરના વારસદાર કપૂર પરિવાર પાસેથી આ જમીન ખરીદવામાં આવી છે.

- Advertisement -

કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન પિરોજશા ગોદરેજે કહ્યું હતું કે કુલ 1 એકરની આ જમીન છે. તેના પર અમે પ્રીમિયમ હાઉસિંગ પ્રોજેક્ટ ડેવલપ કરીશું. આ મકાનોનું વેચાણ કરીને રૂ.500 કરોડની કમાણી થશે તેવો અંદાજ છે. જોકે તેમણે આ જમીન-બંગલો કેટલી કિંમતમાં ખરીદ્યા તેની વિગત જાહેર કરી ન હતી. રિયલ એસ્ટેટ ક્ધસલ્ટન્ટ એનરોકના ચેરમેન અનુજ પુરીએ કહ્યું હતું કે ચેમ્બુરમાં એક એકર જમીનનો માર્કેટ ભાવ રૂ.100-110 કરોડ ચાલે છે. ચેમ્બુર વાઈબ્રન્ટ રેસિડેન્શિયલ માર્કેટ છે અને બીકેસી (બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ) સાથે સારી કનેક્ટિવિટી ધરાવે છે. તેમણે કહ્યું હતું કે ઘણાં ડેવલપર્સે ચેમ્બુરમાં લક્ઝુરી પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા છે અને આવા પ્રીમિયમ મકાનોની માંગ મુંબઈમાં ખાસ્સી વધારે છે.

ગોદરેજ પ્રોપર્ટીઝે કહ્યું હતું કે આ પ્રોપર્ટી ચેમ્બુરમાં દેવનાર ફાર્મ રોડ પર આવેલી છે અને ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સીસ ની નજીકમાં આવેલી છે. ઉલ્લેખનીય છે કે મે-2019માં પણ ગોદરેજ પ્રોપર્ટીઝે ચેમ્બુરમાં જ કપૂર ફેમિલી પાસેથી જ આર.કે. સ્ટુડિયો ખરીદી લીધો હતો. ત્યાં પણ તેણે ગોદરેજ આરકેએસ નામથી પ્રીમિયમ મિક્સ્ડ યુઝ પ્રોજેક્ટ ડેવલપ કર્યો છે. તેના મકાન-ઓફિસોનો કબજો આ વર્ષે આપવામાં આવશે તેવી ધારણા છે.

- Advertisement -

આ ડીલ અંગે ફિલ્મ અભિનેતા અને સ્વ. રાજ કપૂરના પુત્ર રણધીર કપૂરે કહ્યું હતું કે ‘ચેમ્બુર સ્થિત આ રેસિડેન્શિયલ પ્રોપર્ટી અમારા પરિવાર માટે ભાવનાત્મક અને ઐતિહાસિક દૃષ્ટિએ ખૂબ જ મહત્વની છે. આ લોકેશનને વધુ સારી રીતે ડેવલપ કરવા અને ભવ્ય વારસો આગળ ધપાવવા માટે ગોદરેજ પ્રોપર્ટીઝ સાથે જોડાવાનો અમને આનંદ છે.’ ગોદરેજ ગ્રુપની રિયલ એસ્ટેટ કંપની ગોદરેજ પ્રોપર્ટીઝે મુંબઈમાં મકાનોની ભારે માંગને જોતા ચાલુ નાણાકીય વર્ષમાં 15 એકર જમીન ખરીદી છે જેને ડેવલપ કરીને તેનું વેચાણ કરવાથી રૂ.28,000 કરોડની આવક થવાનો તેને અંદાજ છે. હજી માર્ચ સુધીમાં તે વધુ જમીન ખરીદવાના મૂડમાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular