કાલાવડ તાલુકાના નવાગામમાં આવેલી જમીનમાં લગાડેલા મોબાઇલ ટાવરના સળિયા, તાર સહિતનો આખેઆખો ટાવર જ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયાની ઘટનામાં પોલીસે તપાસ આરંભી હતી.
આમ તો સામાન્ય સંજોગોમાં ઘરફોડ ચોરી, દુકાનમાંથી ચોરી, કાર કે બાઈક ચોરી થવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. જ્યારે ભેજાબાજ તસ્કરોએ કાલાવડ પંથકમાં જમીનમાં નાખેલો 50 મીટરનો આખે-આખો મોબાઇલ ટાવર જ ચોરી કરી જતાં પોલીસ પણ આશ્ર્ચર્યમાં પડી ગઈ છે. આ મોબાઇલ ટાવરની ચોરીની વિગત મુજબ, કાલાવડ તાલુકાના નવાગામમાં રહેતાં રણછોડભાઈ અકબરીની જમીનમાં જીટીએલ કંપની દ્વારા 50 મીટર ઉંચો મોબાઇલ ટાવર નાખવામાં આવ્યો હતો. જો કે કંપનીને કલ્પના પણ નહીં હોય કે તસ્કરો મોબાઇલ ટાવર ચોરી કરી જશે. પરંતુ તસ્કરોએ માર્ચ 2020 થી જૂન 2022 ના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ સમયાંતરે જીટીએલ કંપનીનો રૂા.5,20,000 ની કિંમતની મોબાઇલ ટાવર તથા લોખંડના સળિયાવાળો ગેટ અને બે હજારની કિંમતના ફેન્સીંગ તાર મળી કુલ રૂા.5,25,000 ની કિંમતના મોબાઇલ ટાવરનો સામાન ચોરી કરી ગયા હતાં.
આખે-આખો મોબાઇલ ટાવર ચોરાઈ જવાની જાણ થતા કંપનીના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યાં હતાં અને આ મોબાઇલ ટાવર ચોરી અંગે કંપનીના કર્મચારી મોહમદ સીપાઇ નામના યુવાને કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યાં આખે-આખો મોબાઇલ ટાવર ચોરાઈ ગયાની તપાસ આરંભી અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી આજુબાજુના વાડી વિસ્તારોમાં પૂછપરછ હાથ ધરી હતી.