વેરાવળના ખ્યાતનામ અને સેવાભાવી તબીબ ડો. અતુલભાઈ ચગ કે જેમણે કોરોના કાળમાં અનેક લોકોના જીવ બચાવ્યા હતા, તેમણે કથિત સુસાઇડ નોટ લખી અને ચારેક દિવસ પૂર્વે જીવન લીલા સંકેલી લીધાનો અતિ કરુણ બનાવો બન્યો છે. સેવાભાવી અને અનેક ગરીબ દર્દીઓ માટે ભગવાન સમાન આ તબિયતના અકાળે આપઘાતના આ બનાવથી સમગ્ર રઘુવંશી સમાજ સ્તબ્ધ છે.
ત્યારે તેમની આત્મહત્યાથી ફક્ત તેમના પરિવારજનો જ નહીં, પરંતુ અનેક ગરીબો-દર્દીઓ ભારે ચિંતા સાથે દુઃખમાં ગરકાવ થઈ ગયા છે. આ પ્રકરણમાં આપઘાત કરવા માટે દુષ્પ્રેરણા આપતા દોષિતો સામે કડક હાથે કામગીરી કરવામાં આવે અને તેઓને દાખલ રૂપ સજા થાય તેવી માંગ ખંભાળિયાના રઘુવંશી સમાજ દ્વારા કરવામાં આવી છે.
આના અનુસંધાને ખંભાળિયામાં પ્રાંત અધિકારીને એક લેખિત આવેદનપત્ર પાઠવી, સરકાર દ્વારા આ અંગે તાકીદે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ રઘુવંશી જ્ઞાતિના હોદ્દેદારો, આગેવાનો તથા કાર્યકરો દ્વારા કરવામાં આવી છે.


