ભારત-ચીન વચ્ચે વધતા સરહદી તણાવને ધ્યાનમાં રાખીને કેબિનેટે ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (આઈટીબીપી) માટે નવા એક સૈન્ય બેઝની રચના કરવા ઉપરાંત 7 નવી બટાલિયનની રચના કરવા માટે 9,400 નવા સૈનિકોની ભરતી કરવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી સુરક્ષા મામલાની મંત્રીમંડળ સમિતિની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. સરકારે આપેલી મંજૂરી અનુસાર નવા સૈન્યબળનો ઉપયોગ આ સરહદે આવેલી 47 નવી સરહદી પોસ્ટ્સ અને અન્ય કેમ્પ્સની સુરક્ષા માટે અથવા મુખ્યત્વે અરૂણચલ પ્રદેશની સરહદે કરવામાં આવશે. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે જાન્યુઆરી 2020માં મંત્રીમંડળે આઈટીબીપીની 47 બોર્ડર પોસ્ટ અને 12 કેમ્પ સ્થાપિત કરવાની મંજૂરી આપી હતી. ચીન સાથેની લાઈન ઓફ એક્ચ્યુઅલ ક્ધટ્રોલ (એલએસી)ની અસરકારક સુરક્ષા માટે આ નવી ભરતીનો નિર્ણય લેવાયો હોવાનું એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
આ કાર્ય વર્ષ 2025-26 સુધી પૂર્ણ કરાશે. એમાં ઓફિસ, રહેણાંક પરિસર વગેરેના કાર્યો માટે 1808 કરોડનો ખર્ચ થશે. આ ઉપરાંત વેતન, રાશન વગેરે પર પ્રતિ વર્ષ 963 કરોડનો ખર્ચ થશે. 1962માં ચીન સાથેના યુદ્ધ બાદ પૂર્વીય ભારતમાં ચીનને અડીને આવેલી 3448 કિ.મી લાંબી સરહદે સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા માટે આઈટીબીપીની રચના કરાઈ હતી.


