દાન દ્વારા પૈસા મેળવવામાં ભાજપ હાલ સૌથી આગળ છે. એટલુ જ નહીં ભાજપને મળેલા દાનમાં એક વર્ષમાં 28 ટકાનો વધારો થયો છે. ભાજપને ગયા વર્ષે 614.6 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. જ્યારે કોંગ્રેસને માત્ર 95.4 કરોડ રૂપિયા જ મળ્યા હતા. આ માહિતી અસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા આપવામાં આવી હતી. દેશના બધા જ રાષ્ટ્રીય પક્ષોને કુલ મળેલા દાનની રકમ 780.77 કરોડ રૂપિયા છે, જેમાં એક મોટો હિસ્સો માત્ર ભાજપને મળ્યો છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભાજપે કુલ 614.6 કરોડ રૂપિયા મળ્યાનું જાહેર કર્યું છે. ભાજપને મળેલુ દાન કોંગ્રેસ (આઇએનસી), એનસીપી, સીપીઆઇ, સીપીઆઇ-એમ, એનપીઇપી, એઆઇટીસીને મળેલા કુલ દાનથી ત્રણ ગણુ વધારે છે. નાણાંકીય વર્ષ 2021-22 દરમિયાન રાષ્ટ્રીય પક્ષોને મળેલા દાનમાં 187.026 કરોડનો વધારો થયો છે. જે અગાઉના નાણાકીય વર્ષ 2020-2021થી પણ 31.50 ટકા વધુ છે.
ભાજપને વર્ષ 2020-21 દરમિયાન 477.54 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું, જેમાં એક જ વર્ષમાં 28.71 ટકાનો બંપર વધારો થયો હતો અને રકમ 615 કરોડ સુધી પહોંચી ગઇ છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસને મળેલા દાનની રકમ વર્ષ 2020-21 દરમિયાન 74.52 કરોડ હતી જે વધીને વર્ષ 2021-22 દરમિયાન 95.45 કરોડે પહોંચી હતી, એટલે કે માત્ર 20 કરોડનો જ વધારો થયો હતો. આ પહેલા વર્ષ 2019-20 અને વર્ષ 2020-21 વચ્ચે કોંગ્રેસને મળેલા દાનમાં ઘટાડો થયો હતો.
ગયા વર્ષની સરખામણીએ સીપીઆઇ (એમ)ને મળેલા દાનની રકમમાં 22 ટકા જ્યારે એનપીઆઇપીને મળેલા દાનમાં 40 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ઉદ્યોગપતિઓ દ્વારા બધા જ પક્ષોને મળેલા કુલ દાનમાંથી સાત ગણુ વધારે દાન ભાજપને મળ્યું છે. બીજી તરફ સતત 16માં વર્ષે માયાવતીના પક્ષ બસપાએ જાહેર કર્યું છે કે તેને 20,000 રૂપિયાથી વધુનુ દાન નથી મળ્યું. જે પણ પક્ષોને 20 હજાર રૂપિયાથી વધુનુ દાન મળ્યું હોય તેની જ જાણકારી જાહેર કરવામાં આવી છે. તેનાથી ઓછુ દાન મળ્યું હોય તેની જાણકારી જાહેર કરવામાં નથી આવી. તેથી બસપાએ જાહેર કર્યું છે કે તેને 20 હજાર રૂપિયાથી વધુનુ દાન મળ્યું નથી.