આજથી જૂનાગઢ ખાતે પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે. જૂનાગઢમાં દર વર્ષે મહા વદ નોમથી તેરસ સુધી આ મેળાનું આયોજન કરવામાં આવે છે. તંત્ર દ્વારા આ માટે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ મેળા માટે મુખ્યત્વે જવાબદારી હોય તે જ અધિકારી રજા પર ઉતર્યા છે. જુનાગઢ કલેક્ટર રચિત રાજ મેળા પ્રારંભ પૂર્વે જ રજા પર ઉતરતા મેળાના સંચાલનનો સમગ્ર ચાર્ટ ડીડીઓ મીરાંત પરીખના શિરે આવ્યો છે.
લાખો ભાવિકોના આગમન અને ભજન ભોજન ભક્તિના ત્રિવેણી સંગમ ગણાતા મહાશિવરાત્રીનો મેળો વિધિવત રીતે પ્રારંભ થયો છે. જેમાં ભવનાથ મહાદેવના મંદિરની ધજારોહણ સાથે મેળો શરૂ કરાયો છે. આ માટેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ભવનાથ તળેટીમાં સાધુ સંતોનું આગમન થયું છે. આગામી 4 દિવસ સુધી ચાલનારા મેળામાં લાખો ભક્તો ઉમટશે. ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ વિધિવત રીતે મેળાનો પ્રારંભ થશે. આ ઉપરાંત મંદિર બાદ ત્રણ અખાડામાં ધ્વજારોહણ થશે. ભવનાથમાં પરંપરાગત રવેડી બાદ સાધુ-સંતોના મૃગીકુંડમાં સ્નાન બાદ મહાશિવરાત્રિ મેળો પૂર્ણ થશે. મહાશિવરાત્રીના કારણે સોમનાથ મંદિર સહિત સમગ્ર સોરઠ પંથકમાં ભક્તિભાવ વાતાવરણ બન્યું છે.
શ્રદ્ધાળુઓને મહાશિવરાત્રીના મેળામાં જુદા-જુદા સ્થળોએથી આવવા માટે 173 મોટી બસ દોડાવાશે. આ ઉપરાંત મેળામાં જવા માટે 56 મીની બસ સેવા પણ પ્રારંભ કરવામાં આવી હતી. બસ સેવાનો પ્રારંભ મેયર ગીતાબેન પરમાર અને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા કરવામાં આવ્યો હતો. મહાશિવરાત્રીના મેળા દરમિયાન નેચર સફારી રહેશે બંધ. આગામી પાંચ દિવસ સુધી ગિરનાર સફારી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વન વિભાગ સ્ટાફ મેળામાં વ્યસ્ત હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.