માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, ટેલિવિઝન સેટમાં બિલ્ટ-ઇન ટ્યુનરના પ્રયાસ ચાલુ છે. તેને લીધે ટીવીમાં 200 ચેનલ્સ જોઈ શકાશે. મહત્વની વાત એ છે કે, દર્શકો સેટ-ટોપ બોક્સ વગર વિવિધ ચેનલ્સની મજા માણી શકશે. બિલ્ટ-ઇન સેટેલાઇટ ટ્યુનર્સ સાથેના ટીવી સેટ ફ્રી-ટુ-એર ટીવી અને રેડિયો ચેનલ્સની સુવિધા આપી શકશે. જેમાં ધાબા પર કે બિલ્ડિંગની બહારની દિવાલ પર એક નાનું એન્ટેના લગાવવાનું રહેશે. ઠાકુરે જણાવ્યું હતું કે, દૂરદર્શનની ડિશ પર મનોરંજન ચેનલ્સનું મોટા પાયે વિસ્તરણ થયું છે. તેને લીધે ઘણા દર્શકો આકર્ષાયા છે.
મેં મારા વિભાગમાં એક નવી શરૂઆત કરી છે. તમારા ટીવીમાં બિલ્ટ-ઇન સેટેલાઇટ ટ્યુનર હશે તો અલગ સેટ-ટોપ બોક્સની કોઈ જરૂર નહીં રહે. વ્યક્તિ માત્ર રિમોટની ક્લિક દ્વારા 200થી વધુ ચેનલ્સ જોઈ શકશે. જોકે, ઠાકુરે સ્પષ્ટતા કરી હતી કે, હજુ આ મુદ્દે આખરી નિર્ણય લેવાનો બાકી છે. દૂરદર્શન એનાલોગ પ્રસારણ બંધ કરવાની પ્રક્રિયામાં છે. તે ડિજિટલ સેટેલાઇટ ટ્રાન્સમિશનની મદદથી ફ્રી-ટુ-એર ચેનલ્સ ચાલુ રાખશે. ઠાકુરે ગયા વર્ષ ડિસેમ્બરમાં ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્ર્વિની વૈષ્ણવાને બિલ્ટ-ઇન સેટેલાઇટ ટ્યુનર્સ માટે બ્યૂરો ઓફ ઇન્ડસ્ટ્રિયલ સ્ટાન્ડર્ડ દ્વારા જારી કરાયેલા નિયમો અપનાવવા ટીવી ઉત્પાદકોને નિર્દેશ આપવા પત્ર લખ્યો હતો. અત્યારે ટીવી દર્શકોએ વિવિધ પેઇડ અને ફ્રી ચેનલ્સ જોવા માટે સેટ-ટોપ બોક્સ ખરીદવું જરૂરી છે. દૂરદર્શનની ફ્રી-ટુ-એર ચેનલ્સ જોવા માટે પણ સેટ-ટોપ બોક્સની જરૂર પડે છે. ઉલ્લેખનિય છે કે, દૂરદર્શનની ફ્રી ડિશ વાપરતા પરિવારોની સંખ્યા 2015થી અત્યાર સુધીમાં બમણી થઈ છે. કેપીએમજીના અહેવાલ મુજબ 2015માં ફ્રી ડીશ યુઝર્સ બે કરોડ હતા, જે 2021માં વધીને 4.3 કરોડ થયા હતા.