મધ્યપ્રદેશના મુરૈનામાં એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રેલવે વિભાગ વતી મુરૈનામાં હનુમાનજીને નોટિસ આપવામાં આવી છે. રેલવેએ નોટિસ જારી કરીને બજરંગબલીને સાત દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. સાત દિવસમાં મંદિરને ત્યાંથી હટાવવાની સૂચના આપવામાં આવી છે. જો સાત દિવસમાં હનુમાનજીનું મંદિર ખસેડવામાં નહીં આવે તો વહીવટીતંત્ર અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી કરશે. નોટિસમાં બજરંગબલી પાસેથી સમગ્ર ખર્ચ વસૂલવાનું પણ લખવામાં આવ્યું છે. હવે રેલવેની નોટિસ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
વાસ્તવમાં આ સમગ્ર મામલો સબલગઢ વિસ્તારનો છે.અત્યારે સબલગઢમાં ગ્વાલિયર શ્યોપુર બ્રોડગેજનું કામ ચાલી રહ્યું છે. સબલગઢમાં આવેલું 11 મુખી હનુમાન મંદિર બ્રોડગેજના માર્ગમાં આવી રહ્યું છે. તેથી જ રેલવે વિભાગ આ મંદિરને અતિક્રમણ ગણીને આગળ વધી રહ્યું છે. રેલવે વિભાગે આ માટે બજરંગબલીના નામે નોટિસ જારી કરી છે. 8 ફેબ્રુઆરીએ જારી કરાયેલી નોટિસમાં રેલવે વિભાગે હનુમાનજીને પક્ષકાર બનાવ્યા છે.
બજરંગબલીને પાર્ટી બનાવતા રેલવેએ લખ્યું છે કે બજરંગબલીએ રેલવેની જમીન પર પોતાનું ઘર બનાવ્યું છે. 7 દિવસમાં આ ઘર જાતે જ હટાવી લો, નહીંતર રેલવે વિભાગ દ્વારા પ્રશાસનની મદદથી કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ત્યાંથી અતિક્રમણ દૂર કરવામાં આવશે. આનો સંપૂર્ણ ખર્ચ પણ હનુમાનજીએ ચૂકવવો પડશે. જો કે, લોકોને આ નોટિસની જાણ થતા તેઓ અચંબામાં પડી ગયા હતા.
રેલવેએ ભૂલ સુધારી
મુરેનામાં હનુમાનજીને નોટિસ ફટકારી હાંસીને પાત્ર બનેલા રેલવે બાબુઓએ આખરે તેમની ભૂલ સુધારી હતી. નોટિસમાં સુધારો કરીને હનુમાનજીને બદલે મંદિરના પૂજારી હરિશંકર શર્માના નામે ફરીથી નવી નોટિસ આપી છે.


