જામનગર તાલુકાના હાપા રોડ પર ગત રાત્રિના સમયે પૂરઝડપે આવતી અલ્ટો કારના ચાલકે બાઈકને ઠોકર મારી હડફેટે લેતા યુવાનને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય વ્યક્તિને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના હાપા ગામના રોડ પરથી શુક્રવારે રાત્રિના સમયે જીજે-10-બીજી-6070 નંબરની અલ્ટો કારના ચાલકે તેની કાર પૂરઝડપે બેફીકરાઈથી ચલાવી બાઈકને ઠોકર મારી હડફેટે લેતા બાઈકસવાર સોમુભાઈ ભુદરભાઈ પટેલ (ઉ.વ.25) નામના યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું તેમજ અન્ય વ્યક્તિને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતા પીએસઆઈ જે.પી. સોઢા તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી મૃતદેહની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી અને અન્ય ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ અંગેની અજયભાઈ રણોલિયાના નિવેદનના આધારે પોલીસે કારચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.