Sunday, December 7, 2025
Homeરાજ્યજામનગરઈન્કમટેકસમાં નોકરીના બહાને એક મહિલા તથા ટુર પેકેજના નામે મહિલા સાથે છેતરપિંડી

ઈન્કમટેકસમાં નોકરીના બહાને એક મહિલા તથા ટુર પેકેજના નામે મહિલા સાથે છેતરપિંડી

જામનગર શહેર અને જિલ્લામાં યુવાનોને બેંગ્લોરના ઈન્કમટેકસ વિભાગમાં નોકરી અપાવી દેવાની લાલચ આપી ચાર યુવાનો સાથે છેતરપિંડી આચરનાર શખ્સને સિટી સી ડીવીઝન પોલીસે દબોચી લીધો હતો. આ શખ્સની પૂછપરછ દરમિયાન જામનગરની મહિલાને ગોવા ફરવા જવાના પેકેજની લાલચ આપી 30 હજાર રૂપિયાની છેતરપિંડી આચરી તથા જામનગરની મહિલાને ઈન્કમટેકસમાં નોકરીના બહાને દોઢ લાખ પડાવી લીધા હોવાની કેફીયત આપી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં નોકરીવાચ્છુક યુવાનોને બેંગ્લોર ઈન્કમટેકસ વિભાગમાં નોકરી અપાવી દેવાની લાલચ આપી છેતરપિંડી આચરનાર જામજોધપુર તાલુકાના વસંતપુર ગામના વતની અને જામનગરના ખોડિયાર કોલોનીમાં રહેતાં વિશાલ હેમંત કણસાગરા નામના શખ્સ વિરૂધ્ધ લાલપુર તાલુકાના ગજણા ગામના બે યુવાનોને ઈન્કમટેકસમાં નોકરી આપવાની લાલચ આપી રૂા.1.90 લાખની છેતરપિંડી આચર્યાની ફરિયાદ બાદ વિશાલ કણસાગરા નામના શખ્સ વિરૂધ્ધ શહેરના સિટી સી ડીવીઝનમાં વધુ બે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં લાલપુર તાલુકાના ગજણા ગામના જ રમેશગીરી ગોસાઇ નામના વૃદ્ધ સાથે વિશાલે ઈન્કમટેકસમાં નોકરી આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ રોકડ તથા ગુગલ પે દ્વારા એક લાખની રકમ પડાવી લીધી હતી.

તેમજ જામનગર શહેરમાં પોલીસ હેડકવાર્ટર પાછળ આવેલા અશોકસમ્રાટનગરમાં રહેતા જીતેન્દ્ર નાથાભાઈ વકાતર નામના યુવાનને વિશાલ કણસાગરાએ ઈન્કમટેકસમાં નોકરી આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ રૂા.50 હજાર પડાવી લીધા હતાં. છેતરપિંડીની આ ફરિયાદના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી વી.ડી.વસાવાના માર્ગદર્શન હેઠળ પીઆઈ પી.એલ. વાઘેલા, પીએસઆઈ એસ.એમ.સિસોદીયા, એચ.ડી. હિંગરોજા તથા હેકો ફેઝલભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, પોકો મહેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ બારડ, યુવરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે વિશાલ કણસાગરાને દબોચી લીધો હતો. પોલીસ દ્વારા વિશાલની પૂછપરછ કરાતા ઉપરોકત ચાર યુવાનો સાથે છેતરપિંડી ઉપરાંત જામનગરના મયુરનગર વામ્બે આવાસમાં રહેતાં ધમિષ્ઠાબેન બાબુભાઈ પરમાર નામના મહિલાને ઈન્કમટેકસમાં નોકરી આપવાની લાલચ આપી રૂા. 1.50 લાખ પડાવ્યા હતાં.

- Advertisement -

ઉપરાંત જામનગર શહેરના નાગરચકલા હવાઈ ચોક વિસ્તારમાં રહેતાં શિતલબેન અશોકભાઈ ચૌહાણ નામના મહિલાને ગોવા ફરવા જવા માટે વ્યાજબી પેકેજ આપવાનું કહી લલચાવી વિશ્ર્વાસમાં લઇ એરટીકીટ અને હોટલના બુકીંગ પેટે વિશાલ કણસાગરાએ રૂા.30 હજાર પચાવી છેતરપિંડી આચરી હતી. જેના આધારે પોલીસે વિશાલ વિરૂધ્ધ વધુ બે ગુના નોંધી પૂછપરછ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular