જામનગર મહાનગરપાલિકાની ઢોર સાચવવાની બેદરકારી મુદ્દે માલધારી સમાજ તથા ગૌરક્ષકો દ્વારા જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનરને આવેદનપત્ર પાઠવી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં જણાવ્યું છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે જે એટલી બેદરકારીથી ચાલે છે કે જેમાં વાહનમાં કેપેસિટી થી વધારે ઢોર ભરવામાં આવે છે. જેના પરિણામે તા.9 ના રોજ ગર્ભવતી ગાયનું મૃત્યુ થયું છે. કર્મચારીઓ દ્વારા ગાયોને ડબ્બામાં લઈ જવામાં આવે છે. તે અત્યંત ક્રુરતાથી લઇ જવામાં આવે છે અને ગાયોને જે વાહનમાં લઇ જવામાં આવે છે. તે વાહન પણ ગંદકીથી ભર્યા હોય છે તેમજ સોનલનગરમાં આવેલ કોર્પોરેશનની ઢોર રાખવાની જગ્યામાં જેટલા ઢોર છે તે પણ ખરાબ હાલતમાં છે. ત્યાં પાણીની, ખાવાની તેમજ બીમાર ગાયોને અલગ રાખવાની વ્યવસ્થા પણ નથી. જેથી અન્ય ગાયો પણ બીમાર પડે છે.
આથી જ્યાં સુધી પૂરતી વ્યવસ્થા ન થાય અને મહાનગરપાલિકાના કર્મચારીઓ યોગ્ય રીતે કામગીરી ન કરે ત્યાં સુધી ઢોર પકડવાનું કાર્ય મુલત્વી રાખવા તેમજ સોનલનગરમાં આવેલ મહાનગરપાલિકાની જગ્યામાં જે ઢોર રાખવામાં આવે છે તેમાં બે ગૌરક્ષકોને નિરીક્ષણ માટે પરવાનગી આપવા પણ માંગણી કરવામાં આવી છે.