જામનગરમાં આજી-3 ડેમ ગેઇટ રિપેરીંગ તેમજ પાણી ટ્રિટમેન્ટના કામોનું રિપેરીંગ સહિતના કામો ચાલી રહ્યા હોય, આ અંગે કમિશનર દ્વારા સાઇટ વિઝિટ કરવામાં આવી હતી અને આ કામગીરીથી નગરજનનોને પાણી વિતરણમાં વિક્ષેપ ઉભો ન થાય તે માટે જરુરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આજી-3 ડેમ ખાતે ગેટ રીપેરીંગ અર્થે સિંચાઈ વિભાગ રાજકોટ દ્વારા ખાલી કરવાનો થતો હોય, તાજેતરમાં ગાંધીનગર ખાતે પાણી પુરવઠા અને જળ સંપતિ વિભાગના મંત્રી કુવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને મિટિંગમાં થયેલ ચર્ચા અને મળેલ સુચના અનુસાર તેના કેચમેન્ટ એરિયામાંથી પાણી ઉપાડવા માટે કરવાની થતી જુદી જુદી કામગીરી બાબતે જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર વિજયકુમાર ખરાડી, વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઈજનેર, નાયબ કાર્યપાલક ઈજનેર, કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા વિભાગ, નાયબ કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા વિભાગ તથા આજી-3 ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર તથા જુનીયર ઇજનેર દ્વારા સંયુક્ત રીતે સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.
આજી-3 ડેમમાંથી 20 એમએલડી પાણી ઉપાડવા માટેની કામગીરી જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ છે. તે ઉપરાંત વધુ 20 એમએલડી પાણી ઉપાડવા માટે સ્થળ વિઝીટ કરીને તેનુ આયોજન કરવા સુચના આપવામાં આવી હતી. જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા આજી-3 ડેમના કેચમેન્ટ એરિયામાંથી પાણી ઉપાડવા તાત્કાલિક અસરથી જામનગર મહાનગરપાલિકાના સમ્પ સુધી પાઈપલાઈન તેમજ ડેમની અંદર પમ્પીગ મશીનરી ઈંસ્ટોલેશન કરવાની થતી કામગીરીનો સર્વે કરીને આયોજન કરીને વહેલી તકે તમામ કામગીરી સમયસર પૂર્ણ કરીને કુલ 40 એમએલડી જેટલું પાણી ઉપાડી શકાય તે માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતાં. શાખા દ્વારા જામનગર શહેરમાં પાણી વિતરણમાં વિક્ષેપ ઉભો ન થાય અથવા ઓછામાં ઓછો પાણીનો વિક્ષેપ થાય તે રીતે આયોજન કરવામાં આવ્યું છે.