જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર આવેલા ગુરૂકૃપા હાઈટસ એપાર્ટમેન્ટમાં રહેતાં વિપ્ર યુવાનને ટ્રેનમાં મુસાફરી દરમિયાન મળેલા શખ્સે મિત્રતા બનાવી વિશ્વાસ કેળવી શહેરમાં ફલેટ અપાવી દેવાની લાલચ આપી રૂા.25 લાખ પડાવી લઇ છેતરપિંડી અને વિશ્વાસઘાતના બનાવમાં પોલીસે શખ્સની શોધખોળ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, રાજસ્થાનના જયપુર જિલ્લાના સાંગાનેરના વતની અને જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર આવેલા ગુરૂકૃપા હાઈટસમાં સાતમા માળે રહેતા તથા ખાનગી પેઢીમાં નોકરી કરતા રાજીવ મહાવીર દાધીચ નામનો વિપ્ર યુવાન ચાર માસ અગાઉ ટ્રેનમાં મુસાફરી કરતો હતો તે દરમિયાન શૈલેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ નિર્બાન નામના પંચવટી સોસાયટીમાં રહેતાં શખ્સ સાથે ઓળખાણ થઈ હતી. ત્યારબાદ શૈલેન્દ્રસિંહ સાથે મિત્રતા કેળવી પિતાને પૈસાની જરૂરિયાત હોવાથી રાજીવ પાસેથી રૂા.40 હજારની રકમ ઉછીની લીધી હતી અને આ રકમ પરત આપી રાજીવનો વિશ્ર્વાસ કેળવી લીધો હતો અને ત્યારબાદ શૈલેન્દ્રસિંહ એ રાજીવને જામનગરમાં ફલેટ અપાવવાની લાલચ આપી તેના બદલામાં ગુગલ પે તથા ઓનલાઈન ટ્રાન્ઝેકશન મારફતે અલગ અલગ સમયે રકમની માંગણી કરી રૂા.25,00,000 શૈલેન્દ્રસિંહએ તેની જુદી જુદી બેંકના બે ખાતામાં જમા કરાવી લીધા હતાં.
ત્યારબાદ રાજીવ દ્વારા શૈલેન્દ્રસિંહ પાસે અવાર-નવાર ફલેટ બાબતની માંગણી કરતા સંતોષકારક પ્રત્યુતર મળ્યો નહતો. રાજીવે રકમની પરત માંગણી કરી હતી. પરંતુ શૈલેન્દ્રસિંહ એ રકમ પરત નહીં આપી ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટ, આરબીઆઈ, એચડીએફસી બેંકના નામે ખોટા ડોકયુમેન્ટ અને મેસેજ બનાવી ખરા તરીકે ઉપયોગ કરી યુવાનને વોટસએપ મારફતે મોકલી છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત કર્યો હતો. આ છેતરપિંડી અંગે જાણ કરતા પીએસઆઈ બી.બી.કોડીયાતર તથા સ્ટાફે રાજીવના નિવેદનના આધારે શૈલેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ નારાયણસિંહ નિર્બાન (રહે. કિસ્મત વિલા, પંચવટી સોસાયટી, જામનગર) વાળા શખ્સ વિરૂધ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.