જામનગર શહેરના ગાયત્રીનગર વિસ્તારમાંથી પસાર થતા યુવકને એકટીવા ચાલકે આંતરીને ધમકાવી તેની પાસે રહેલી 5200 ની રોકડ રકમ અને આધાર કાર્ડ રાખેલા પાકીટની લૂંટ ચલાવી નાશી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રામેશ્ર્વરનગર કે.પી. શાહની વાડી શેરી નં.2 અને મકાન નં.30 માં રહેતા મનોજભાઈ રૂપારેલ નામના વેપારી યુવાનનો પુત્ર નમન રૂપારેલ નામનો યુવક બુધવારે રાત્રિના સમયે ગ્રાહકોને દૂધ દેવા જતો હતો ત્યારે ગાયત્રીનગર શેરી નં.2 માંથી પસાર થતો હતો તે સમયે સફેદ એકટીવા ચાલકે યુવકને આંતરીને ‘મારા ઘર પાસેથી કેમ નીકળશ?’ તેમ કહી ધમકાવી યુવકના ખીસ્સામાં રહેલી રૂા.5200 ની રોકડ રકમ અને આધાર કાર્ડની નકલ સાથેના પાકીટની લૂંટ ચલાવી હતી. લૂંટના બનાવ અંગે યુવકે તેના પિતાને જાણ કરી હતી. જેના આધારે મનોજભાઈએ સિટી બી ડીવીઝનમાં એકટીવાના પહેલા ત્રણ આંકડા 635 વાળા ચાલક વિરૂધ્ધ લૂંટની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ આર.પી. અસારી તથા સ્ટાફે એકટીવાચાલકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.